આજે સૌરાષ્ટ્ર બંધ

29 October, 2012 06:11 AM IST  | 

આજે સૌરાષ્ટ્ર બંધ



ડિસેમ્બરમાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શન દરમ્યાન કાળાં નાણાંનો ઉપયોગ ન થાય એ માટે ઇલેક્શન કમિશને અઢી લાખ રૂપિયાથી વધુ રકમ કૅશ લાવવા-લઈ જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે અને જો કૅશ સાથે રાખવી પડે એમ હોય તો એ માટે જરૂરી બધા ડૉક્યુમેન્ટ્સ સાથે રાખવાનો નિયમ બનાવ્યો હોવાથી વેપારીઓએ ઇલેક્શન કમિશનના આ નિયમના વિરોધમાં આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. એમાં હવે સૌરાષ્ટ્રનાં બધાં શહેરો જોડાઈ રહ્યાં છે. રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રેસિડન્ટ સમીર શાહે કહ્યું હતું કે ‘આ તો વેપારીઓ પર તાનાશાહી ચલાવવાની વાત છે. વેપારીઓએ કૅશ સાથે અવરજવર કરવી પડે એવી સિચુએશન હોય તો જ એ લઈને નીકળે છે. બાકી મોટી રકમ સાથે લઈને નીકળવાનો કોઈ અર્થ નથી એમ છતાં ઇલેક્શન કમિશને સાવ વાહિયાત કહેવાય એવો આ નિયમ બનાવ્યો છે જે યોગ્ય નથી. જો આ નિયમ પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાત વિધાનસભાના ઇલેક્શનનો ગુજરાતભરનાં વેપારી મંડળો ઑફિશ્યલ બહિષ્કાર કરશે.’

પંદર દિવસ પહેલાં ઇલેક્શન કમિશન દ્વારા બનાવવામાં આવેલા આ નિયમને કારણે અત્યાર સુધી ગુજરાતના ૧૬થી વધુ વેપારીઓની કૅશ જપ્ત થઈ છે જેમાં ૪ સોનીઓ અને ૭ અનાજ-કરિયાણાના હોલસેલના વેપારીઓ સહિત જૂનાગઢના ભારતીય સાધુસમાજના પ્રમુખ ભારતીબાપુનો સમાવેશ છે. પકડાયેલી રોકડ રકમ ઇલેક્શન કમિશનના અધિકારીઓ ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ પાસે જમા કરાવે છે એટલે વેપારીઓની હાલાકીમાં વધારો થતો હોવાની ફરિયાદ પણ તેઓ કરી રહ્યા છે.