ગુજરાતમાં હક માંગતા બંદૂકની ગોળીઓ મળે છે : સોનિયા ગાંધી

03 October, 2012 10:20 AM IST  | 

ગુજરાતમાં હક માંગતા બંદૂકની ગોળીઓ મળે છે : સોનિયા ગાંધી




રશ્મિન શાહ

રાજકોટ, તા. ૪

ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે રાજકોટ આવેલાં કૉન્ગ્રેસ પાર્ટીનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ ગુજરાત વિધાનસભાનું કૅમ્પેન ઑફિશ્યિલી કૉન્ગ્રેસ વતી ખુલ્લું મૂક્યું હતું અને સભા સાંભળવા આવેલા એક લાખથી વધુ લોકોને આહ્વાન કર્યું હતું કે હવે બીજેપીની ભ્રષ્ટ સરકારને હટાવીને કૉન્ગ્રેસના હાથને સાથ આપવાનો સમય આવી ગયો છે.

મોદીની ધરાર અવગણના

સોનિયા ગાંધીએ પોતાની સ્પીચમાં મહદંશે કૉન્ગ્રેસની, કેન્દ્ર સરકારની અને કેન્દ્ર સરકારે કરેલાં કામોની વાતો કરી દેશના અને ગુજરાત સૌથી મોટા વિરોધ પક્ષ એવા એનડીએ અને બીજેપીની વાત કરવાનું ટાળ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાની ૨૭.૦૭ મિનિટની સ્પીચમાં કુલ ત્રણ વખત બીજેપીનો ઉલ્લેખ કર્યો હતો, પણ દેશના ભાવિ વડા પ્રધાન તરીકે જેને પ્રોજેક્ટ કરવામાં આવે છે એ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નામ સુધ્ધાંનો ઉલ્લેખ કર્યો નહોતો. ૨૦૦૭ની ઇલેક્શનમાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે ‘મૌત કે સૌદાગર’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને એ પછી બીજેપી અને નરેન્દ્ર મોદીએ એ શબ્દોનો ભરપૂર ઉપયોગ કરીને પ્રજાની માનસિકતા બદલાવી નાખી હતી. રાષ્ટ્રીય સ્તરના રાજકીય વિfલેષકોનું માનવું છે કે નૅશનલ પાર્ટી એવી કૉન્ગ્રેસના ચૅરપર્સનના પદની સામે મુખ્ય પ્રધાનપદ ઘણું નાનું કહેવાય. આવા સમયે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ નહીં કરી, તેમની અવહેલના કરીને સોનિયાએ મોદીનું કદ વધુ મોટું કરવાનું પણ ટાળ્યું છે.

તો શું બોલ્યાં સોનિયામૅડમ?

ગઈ કાલની સ્પીચમાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર વતી જે કોઈ ખુલાસાઓ કરવાના હતા એ બધા ખુલાસાઓ કર્યા, સાથોસાથ એફડીઆઇના આવવાથી દેશના ખેડૂતોને જે ફાયદો થવાનો છે એ ફાયદાઓએ વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. આ સ્પષ્ટતાની સાથે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારને પણ પૂરતા અધિકાર છે કે જો એ ઇચ્છે તો એફડીઆઇ ન ઇચ્છે તો એનો અમલ પોતાના રાજ્ય પૂરતો અટકાવી શકે છે, આ કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ દર્શાવે છે.’

ગઈ કાલે સોનિયા ગાંધીની સ્પીચમાં ગુજરાતના સ્થાનિક પ્રશ્નો જેવા કે ગયા અઠવાડિયે તરણેતરના મેળામાં દલિતો પર થયેલા ફાયરિંગની વાત પણ આવી ગઈ હતી તો સાથોસાથ આ સ્પીચમાં ખેડૂતોએ કરેલા આત્મહત્યાની વાત, મહિલાઓ પર થતાં અત્યાચાર અને ગુજરાતમાં પ્રવર્તતા પાણી પ્રશ્નની તકલીફોની વાત પણ હતી. ગુજરાતમાં થયેલા વિકાસની બાબતમાં ચોખવટ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘આજે ગુજરાત સરકાર વિકાસને મુદ્દે જશ ખાટી રહી છે, પણ હકીકત એ છે કે કેન્દ્ર સરકારની સહાયથી જ આ વિકાસ થયો છે. જો ગુજરાત સરકારને મોંઘવારી વિશે બહુ ચિંતા હોય તો શું કામ આ સરકાર વૅટ નથી ઘટાડતી. આજે દેશમાં સૌથી વધુ વૅટ ગુજરાત સરકાર લઈ રહી છે અને આ કારણે કેટલીય ચીજવસ્તુ દેશભરમાં સૌથી વધુ ગુજરાતમાં મોંઘી છે.’

નરેન્દ્ર મોદીની જ્યાં પણ સ્પીચ હોય ત્યાં સ્ટેજ પર ટાવર-એસી રાખવામાં આવે છે, પણ ગઈ કાલના સોનિયા ગાંધીના સ્ટેજ પર એસી તો શું પંખાની પણ વ્યવસ્થા રાખવામાં નહોતી આવી. ગરમીનો પારો સર્વોચ્ચ સીમા પર હોવા છતાં સોનિયા ગાંધીએ એક પણ વાર અકળામણ થતી હોવાનો દેખાવ નહોતો કર્યો.

ગઈ કાલની સભામાં હાજર રહેલા લોકો વિશે એંસી હજારથી બે લાખ માણસો હાજર રહ્યાના અલગ-અલગ આંકડાઓ જાહેર થયા હતા, પણ જો પ્રૅક્ટિકલ વાત કરીએ તો આ સભામાં એકાદ લાખ માણસો હતા. ગુજરાત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ આ જ આંકડો ગુજરાતના મુખ્ય પ્રધાનની ઑફિસે પહોંચાડ્યો છે.

રામકૃષ્ણ આશ્રમની મુલાકાત

રાજકોટ ઍરપોર્ટ પર ઊતર્યા પછી સોનિયા ગાંધીનો કાફલો સૌથી પહેલાં રામકૃષ્ણ આશ્રમે દર્શન કરવા માટે ગયો હતો. આ અગાઉ સોનિયા ક્યારેય રામકૃષ્ણ આશ્રમે દર્શન માટે ગયાં હોય એવું કોઈના ધ્યાન પર નથી. ગુજરાત બીજેપીના પ્રમુખ આર. સી. ફળદુએ કહ્યું હતું કે ‘બીજેપીની સ્વામી વિવેકાનંદ યાત્રાને યૂથમાં સરસ રિસ્પૉન્સ મળ્યો હોવાથી સોનિયા ગાંધીએ પણ સ્વામી વિવેકાનંદનાં દર્શન કરીને એવું દેખાડવા પ્રયાસ કર્યો છે કે અમે પણ વિવેકાનંદને યાદ કરીએ છીએ. આ નકલખોરી કહેવાય.

ચશ્માં-પેન ભુલાઈ ગયાં

મહાત્મા ગાંધી જ્યારે રાજકોટમાં ભણતાં હતા ત્યારે જ્યાં રહ્યા હતા એ ઘરને કબા ગાંધીના ડેલા તરીકે ઓળખવામાં આવે છે. ગઈ કાલે રાજકોટ આવ્યા પછી સોનિયા ગાંધી આ કબા ગાંધીના ડેલે જઈ બાપુનાં દર્શન કર્યા અને એ પછી આખા ઘરની મુલાકાત લીધી. આ ઘરની મુલાકાત લીધા પછી કબા ગાંધીના ડેલાના મૅનેજરે તેમને વિઝિટર્સ બુકમાં બે શબ્દો ટપકાવવા માટે બુક આપી પણ સોનિયા ગાંધી પોતાના વાંચવા-લખવાના નંબરવાળા ચશ્માં અને બોલપેન કારમાં ભૂલી ગયાં હતાં એટલે નોંધ ટપકાવવાનું બાકી રહી ગયું. સોનિયામૅડમનાં ચશ્માં-પેન લેવા માટે તેનો સ્ટાફ દોડ્યો પણ હતો, પણ મોડું થતું હોવાથી સ્ટાફ પેન-ચશ્માં લઈને આવે ત્યાં તો સોનિયા ગાંધી ડેલામાંથી બહાર નીકળી ગયાં હતાં.

ગાડીના ગેટ પર લટક્યાં કૉન્ગ્રેસપ્રમુખ

ગાંધી પરિવારની જે ખાસિયત છે એ મુજબ જ સોનિયા ગાંધી ગઈ કાલે કૉરિડોર તોડીને પબ્લિક વચ્ચે ઘૂસી જતાં જોવા મળ્યાં હતાં. ગઈ કાલે સોનિયા ગાંધીએ બે વખત પોતાના ઑટોગ્રાફ આપ્યા હતા. કબા ગાંધીના ડેલાની મુલાકાતે ગયા ત્યારે ત્યાં સોનિયા ગાંધીની ઑટોગ્રાફ માટે દસ વર્ષની એક બાળકી પહોંચી ગઈ હતી. સભા પૂરી થયા પછી જ્યારે સોનિયા ગાંધીને લઈને તેમની કાર ઍરપોર્ટ તરફ રવાના થઈ ત્યારે અધવચ્ચે સોનિયા દરવાજો ખોલીને એક પગ કારની બહારના ફૂટ-રેસ્ટ પર મૂકીને ઊભા થઈ ગયાં હતાં. આ સમયે તમામ કૉન્ગ્રેસીઓ ગભરાઈ ગયા હતા. જો સોનિયાનો પગ લપસે તો એ સીધાં રસ્તા પર જ પડે. જોકે સોનિયા ગાંધીને આવો કોઈ ડર નહોતો.

મૅડમે સ્પીચમાં માર્યો લોચો

ગઈ કાલે સોનિયા ગાંધીએ એક જબરદસ્ત લોચો મારી દીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા ક્રૂડના ભાવવધારા વિશે ચોખવટ કરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ એક સમયે બેરલદીઠ ૩૨ રૂપિયા હતો, જે અત્યારે ૧૪૦ રૂપિયા થઈ ગયો છે.’ હકીકતે આ સમયે સોનિયાએ રૂપિયાને બદલે ડૉલર બોલવાની જરૂર હતી પણ તેમનાથી ઉત્સાહમાં ડૉલરને બદલે રૂપિયા બોલાઈ ગયું હતું. સોનિયા ગાંધીએ ગઈ કાલની સ્પીચમાં અનેક જગ્યાએ ઉચ્ચારણોમાં ભૂલો કરી હતી, આ ભૂલ કર્યા પછી સોનિયા પોતાની ભૂલ સુધારવાની કોશિશ પણ કરતાં હતાં.