ગુજરાતની આ હાલત માટે કોણ જવાબદાર છે એ તમે વધારે જાણો છો

11 December, 2012 05:46 AM IST  | 

ગુજરાતની આ હાલત માટે કોણ જવાબદાર છે એ તમે વધારે જાણો છો




ગુજરાત વિધાનસભાના ૨૦૦૭ના ઇલેક્શન માટે કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ ફક્ત બે જ સભા આપી હતી, જ્યારે ૨૦૧૨ની આ ઇલેક્શન માટે સોનિયા ગાંધીએ જાણે કે જાહેર સભાઓ આપવા માટે પોતાની ડાયરી ખોલી નાખી છે. ત્રીજી ઑક્ટોબરે જાહેર સભા કરીને કૉન્ગ્રેસનો પ્રચાર શરૂ કરનારાં સોનિયા ગાંધીએ શનિવારે સુરત અને જૂનાગઢ જિલ્લામાં સભા કરી હતી તો ગઈ કાલે તેમણે મધ્ય ગુજરાતના સિદ્ધપુર અને ડાકોરમાં એકેક જાહેર સભા સંબોધી હતી. ગઈ કાલે સંબોધાયેલી જાહેર સભામાં સોનિયા ગાંધી પહેલી વાર આક્રમક દેખાયાં પણ તેમણે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવાનું તો હજી ટાળ્યું જ હતું.

ગુજરાતમાં હજી પણ શાંતિ નથી


સિદ્ધપુરની હંસાબા કૉલેજના કૅમ્પસમાં થયેલી સભામાં તેમણે મોદીનું નામ લીધા વિના આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે ‘ગુજરાતમાં હજી પણ શાંતિનું વાતાવરણ નથી. અપરાધીઓને સજા મળતી નથી અને વળતરપાત્ર લોકોને પણ ન્યાય મળતો નથી. ગુજરાતનો ગરીબ શાંતિથી સૂઈ નથી શકતો, ખેડૂતની આંખોમાં આંસુ છે, આત્મહત્યા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી વધ્યો, ગુજરાતની આ હાલત માટે કોણ જવાબદાર છે એ મારે કહેવાની જરૂર નથી, તમે મારા કરતાં એને વધુ જાણો છોે. જાગ્રત થવાનો સમય આવી ગયો છે.’

ગઈ કાલે ગુજરાતમાં થયેલી સોનિયા ગાંધીની બન્ને જાહેર સભા દોઢથી બે કલાક મોડી શરૂ થઈ હતી. આ અગાઉની સભાઓ પણ લગભગ આટલા જ કલાકો મોડી શરૂ થઈ હતી, પણ એ સમયે સોનિયા ગાંધીએ કોઈ માફી માગી નહોતી, પણ ગઈ કાલે તેમણે સિદ્ધપુર અને ડાકોરમાં માફી માગી હતી.’

ખેડૂતોની કેમ કોઈ કિંમત નથી?


આ એક સવાલ ગઈ કાલે સોનિયા ગાંધીએ પોતાની બન્ને જાહેર સભામાં ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ઉદ્યોગપતિ માટે કામ કરતી આ સરકાર ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરી આપવામાં નિષ્ફળ નીવડી છે. આજે પણ ગુજરાતના ખેડૂતો વીજળીના કનેક્શનની રાહ જુએ છે.’

સોનિયા ગાંધીને મોદીનો જવાબ


સિદ્ધપુર અને ડાકોરમાં સોનિયા ગાંધીની જાહેર સભાનો જવાબ નરેન્દ્ર મોદીએ તરત જ પોતાની રાતની થ્રી-ડી ટેક્નૉલૉજીવાળી જાહેર સભામાં આપી દીધો હતો નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમણે નવું ભાષણ પણ તૈયાર કરવાની દરકાર કરી નથી અને ૨૦૦૭માં તેમણે જે સ્પીચ આપી હતી એ જ સ્પીચ અક્ષરશ્ા: વાંચી ગયા છે. મોદીએ કહ્યું હતું કે ‘મારા બેટાઓએ આંકડા બદલાવવાની દરકાર પણ નથી કરી. કહે છે કે ગુજરાતમાં ૫૭ ડાર્ક ઝોન છે, ૨૦૦૭માં પણ આટલા જ ડાર્ક ઝોન હતા. સાવ સાચી વાત તો એ છે કે આજે ગુજરાતમાં એક પણ જિલ્લા કે તાલુકામાં કોઈ ડાર્ક ઝોન નથી અને એટલે જ જ્યારે દેશનાં ૧૯ રાજ્યોમાં વીજળી ગૂલ થઈ ગઈ ત્યારે મારું ગુજરાત ઝળહળતું હતું. ગુજરાતના વિકાસનો આ ઝળહળાટ સોનિયામૅડમથી જોવાતો નથી.’

રાહુલ ગાંધી આજે ત્રણ સભા સંબોધશે


વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કૉન્ગ્રેસઅધ્યક્ષા સોનિયા ગાંધી બાદ હવે કૉન્ગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી આજે ગુજરાતમાં કૉન્ગ્રેસનો પ્રચાર કરવા આવી પહોંચશે અને ત્રણ જાહેર સભાને સંબોધશે.

રાહુલ ગાંધી આજે સવારે ૧૦ વાગ્યે જામનગરમાં પ્રદર્શન મેદાનમાં, બપોરે ૧૨ વાગ્યે અમરેલીમાં કામયાની ફૉર્વર્ડ હાઇસ્કૂલ મેદાનમાં અને બપોરે બે વાગ્યે અમદાવાદ જિલ્લાના સાણંદમાં પ્રેમ આકૃતિ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે. સોનિયા ગાંધીએ મોદીનું નામ લીધા વિના સરકાર પર તીખા આક્ષેપો કર્યા હતા, જ્યારે વડા પ્રધાન મનમોહન સિંહે પણ મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે આજની સભામાં રાહુલ ગાંધી શું બોલે છે તેના પર સૌની નજર રહેશે.