સોનિયા ગાંધી આ વખતે ‘મૌત કા સૌદાગર’ જેવા બૂમરૅન્ગ શબ્દો ભૂલથી પણ બોલ્યાં નહીં

08 December, 2012 07:17 AM IST  | 

સોનિયા ગાંધી આ વખતે ‘મૌત કા સૌદાગર’ જેવા બૂમરૅન્ગ શબ્દો ભૂલથી પણ બોલ્યાં નહીં






ત્રીજી ઑક્ટોબરે રાજકોટમાં જાહેર સભા કરીને ઇલેક્શન કૅમ્પેનના શ્રીગણેશ કરનારા કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ ગઈ કાલે સુરત અને જૂનાગઢ જિલ્લામાં જાહેર સભા સંબોધીને ઇનડાયરેક્ટલી આ કૅમ્પેન પૂરું કર્યું હતું. જોકે કૅમ્પેનનો પ્રારંભ જેટલો ફિક્કો રહ્યો હતો એટલો જ આ અંત પણ ફિક્કો રહ્યો અને સોનિયા ગાંધીની આ બન્ને જાહેર સભા સામાન્ય ફૉર્માલિટી જેવી રહી ગઈ. ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીના પ્રચારમાં સોનિયા ગાંધીએ મોદીને ‘મૌત કા સૌદાગર’ ગણાવ્યા હતા એ પછી સોનિયા મૅડમ માટે આ શબ્દો બૂમરેંગ પુરવાર થયા હતા. જોકે ગઈ કાલની તેમની બન્ને સભાની સ્પીચમાં આવા કોઈ જ શબ્દો રાખવામાં આવ્યા ન હતા, એટલું જ નહીં, તેમણે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવાનો ટાળ્યો હતો. આ ઉપરાંત મૅડમે મોદી પર એક પણ પ્રકારનો આક્ષેપ કર્યો નહોતો અને ગુજરાતની રાજનીતિ, ગુજરાતનો ભ્રષ્ટાચાર અને ગુજરાતના વિકાસની કપોળકલ્પિત વાતો વિશે ચર્ચા કરી હતી.

રૂપિયાનું કામ, કરોડનો પ્રચાર

જૂનાગઢ જિલ્લાની કેશોદ શહેરની સભામાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર એક રૂપિયાનું કામ કરે છે અને એ કામના પ્રચારમાં એક કરોડ રૂપિયા વાપરે છે. આ પ્રચારની સરકાર છે. આ સરકારની પાસે વિકાસની વાતો છે, પણ વિકાસ કરવાની દિશા નથી. ગુજરાતના પાણીના પ્રશ્નો હજી અકબંધ છે, કુપોષણને કારણે મહિલા અને બાળકો પરેશાન છે, ખેડૂતો હજી પણ તકલીફો વચ્ચે જીવે છે. ગુજરાતના સ્થાનિક લોકો પર દેણું વધી રહ્યું છે. આવા સંજોગો વચ્ચે ગુજરાત માટે હવે પરિવર્તન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને આ પરિવર્તન માટે સમય આવી ગયો છે.’

સ્પીચમાં આક્રમકતા નહીં

સુરત અને જૂનાગઢ જિલ્લાની સોનિયા ગાંધીની જાહેર સભામાં અનુક્રમે સિત્તેર હજાર અને પિસ્તાળીસ હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા, પણ આ જાહેર સભામાં કોઈ ચાર્મ નહોતો. અગાઉ રાજકોટમાં થયેલી જાહેર સભા સમયે કૅમ્પેનનો પ્રારંભ હતો એટલે સોનિયા મૅડમ આક્રમક ન હોય એ સમજી શકાય, પણ હવે જ્યારે ઇલેક્શનને દસ દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે જોઈએ એવી આક્રમકતા સોનિયા ગાંધીની સ્પીચમાં નહોતી. સોનિયા મૅડમ આક્રમક ન થાય અને ૨૦૦૭માં તેમણે જે રીતે નરેન્દ્ર મોદી માટે ‘મૌત કે સૌદાગર’ શબ્દનો ઉપયોગ કરીને આખી બાજી બદલી નાખી હતી એનું પુનરાવર્તન ન થાય એ માટે કૉન્ગ્રેસી નેતાઓએ આગોતરી સાવચેતી રાખી હતી. જો વાત સાચી માનીએ તો સોનિયા ગાંધીની ગુજરાતની આ બન્ને જાહેર સભાની સ્પીચ અહેમદ પટેલ ઉપરાંત ગુજરાતના અન્ય ચાર સિનિયર નેતાઓએ જોઈ હતી અને સેન્સર કરી હતી. કૉન્ગ્રેસના એક સિનિયર નેતાએ કેશોદમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે કૉન્ગ્રેસ માટે પૉઝિટિવ વાતાવરણ છે એટલે કોઈ ચેન્જ ન આવે એ માટે આવી સાવચેતી રાખવામાં આવી હતી.’

કલાક અને અઢી કલાક

સોનિયા ગાંધીની બન્ને જાહેર સભા મોડી શરૂ થઈ હતી. સુરત જિલ્લાના માંડવી ગામે થયેલી સભા એક કલાક મોડી પડી હતી જ્યારે જૂનાગઢના કેશોદ શહેરની સભા અઢી કલાક મોડી પડી હતી. કેશોદની સભા પહેલાં સોનિયા ગાંધી સોમનાથ મહાદેવનાં દર્શન માટે જવાનાં હતાં, પણ કેશોદ પહોંચવામાં મોડું થતાં સોનિયા ગાંધીએ સોમનાથ મહાદેવ જવાનું ટાળ્યું હતું અને રાજકોટથી હેલિકોપ્ટરમાં સીધા સભા-સ્થળે પહોંચ્યાં હતાં.

ન મળ્યાં કાર્યકરોને

દિલ્હીથી સુરત અને સુરતથી રાજકોટ ચાર્ટર પ્લેનમાં આવેલાં સોનિયા ગાંધી રાજકોટ ઍરર્પોટથી હેલિકૉપ્ટરમાં કેશોદ ગયાં હતાં. પ્લેનમાંથી હેલિકૉપ્ટરમાં શિફ્ટ થતાં પહેલાં સોનિયા ગાંધી રાજકોટ ઍરર્પોટ પર લગભગ વીસ મિનિટ રોકાયાં હતાં જ્યારે કેશોદથી પાછાં જતી વખતે પણ ઍરર્પોટ પર લગભગ એટલો જ સમય રોકાયાં હતાં. આ સમયગાળા દરમ્યાન તેમણે એક પણ કાર્યકરોને સમય ફાળવ્યો નહોતો અને એકાંતવાસ ભોગવ્યો હતો. રાજકોટ ઍરર્પોટ પરના પોતાના એકાંતના સમયમાં સોનિયા ગાંધીએ ફ્રૂટ જૂસ, બ્રાઉન બ્રેડના ટોસ્ટ, રશિયન સૅલડ અને બૉઇલ અમેરિકન મકાઈનો હળવો નાસ્તો કર્યો હતો.