નરેન્દ્ર મોદીથી ડરીને સોનિયા ગાંધીએ કર્યો પોરબંદરનો પ્રવાસ કૅન્સલ

01 October, 2012 03:09 AM IST  | 

નરેન્દ્ર મોદીથી ડરીને સોનિયા ગાંધીએ કર્યો પોરબંદરનો પ્રવાસ કૅન્સલ



આવતી કાલે એટલે કે ગાંધી જયંતીના દિવસે કૉન્ગ્રેસ પાર્ટીનાં ચૅરપર્સન સોનિયા ગાંધી અને ગુજરાતના મુખ્ય પ્રધાન તથા બીજેપીના અપકમિંગ રાષ્ટ્રીય નેતા નરેન્દ્ર મોદી બન્ને પોરબંદરના કીર્તિ મંદિરમાં બાપુનાં દર્શન માટે જવાનાં હતાં. એકબીજાના કટ્ટર હરીફ એવા આ બન્ને નેતાઓ જોગાનુજોગ એક જ સમયે એટલે કે સવારે ૧૦ વાગ્યે દર્શન કરવાના હતા પણ એકમેકનો સામનો કરવાની આ કશમકશ હવે ટળી ગઈ છે. હવે માત્ર નરેન્દ્ર મોદી જ પોરબંદર જવાના છે અને સોનિયા ગાંધીએ પોતાનો કાર્યક્રમ ચેન્જ કરીને પોરબંદર જવાનું ટાળ્યું છે. કારણ સાચું હોય કે ખોટું, પણ હકીકત એ છે કે સોનિયા ગાંધીએ પોરબંદર શહેર નાનું હોવાનું કારણ આગળ ધર્યું છે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્નભાઈ મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘પોરબંદર નાનું શહેર હોવાથી ત્યાં કોઈ જાહેર સભા રાખવાનો હેતુ બર આવવાનો નથી એટલે અમે ફાઇનલી નક્કી કર્યું છે કે સોનિયામૅડમ બીજી ઑક્ટોબરને બદલે હવે ત્રીજી ઑક્ટોબરે સીધાં રાજકોટ આવશે અને રાજકોટમાં જાહેર સભાને સંબોધશે.’

સોનિયા ગાંધીનો કાર્યક્રમ કૅન્સલ થયો હોવાથી સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં હવે કોઈ ચેન્જ આવશે નહીં અને મોદી પોતાના યથાવત્ કાર્યક્રમ મુજબ સવારે કીર્તિ મંદિરમાં રાખવામાં આવેલી પ્રાર્થનાસભામાં હાજર રહેશે.