સોમનાથ થશે વધુ સુશોભિત

15 October, 2012 05:32 AM IST  | 

સોમનાથ થશે વધુ સુશોભિત



સોમનાથમાં આજ સુધી સોમનાથ મહાદેવનાં દર્શનનો લહાવો જ મળતો હતો, પણ આવતા અઠવાડિયાથી સોમનાથ મહાદેવના મંદિરે મહાદેવનાં દર્શનની સાથે ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલા અગત્યના પ્રસંગો, ગુજરાતના સંતોનાં તૈલી ચિત્રો અને સાથોસાથ હિન્દુ સંસ્કૃતિના પથદર્શક કહેવાય એવા પ્રસંગોનાં ચિત્રો જોવાની અને એ ચિત્રકલા માણવાની તક પણ મળશે. બન્યું એવું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હવે સોમનાથના મંદિરના પટાંગણની દીવાલ પર ચિત્રો દોરાવવાનું કામ શરૂ થયું છે. આ દીવાલ પર કુલ ત્રીસ ચિત્રો બનાવવામાં આવશે. આ ત્રીસ ચિત્રો માટે કુલ પચાસ પ્રસંગ કે સંત પસંદ કરવામાં આવ્યા હતા અને એમાંથી સર્વાનુમતે ત્રીસની પસંદગી કરવામાં આવી છે. છ ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા એવા આ પેઇન્ટિંગને વેધરની અસર ન થાય એ માટે ખાસ પ્રકરના કલર વાપરવામાં આવે છે, જે જમર્નીથી મગાવવામાં આવ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અસિસ્ટન્ટ મૅનેજર વિજયસિંહ પરમારે કહ્યું હતું કે ‘સોમનાથ મંદિરમાં ભાવિકો વધુ સમય ગાળી શકે એ હેતુસર આ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યાં છે. પેઇન્ટિંગ માટે અમારી પાસે અનેક નામી કલાકારોનાં નામ હતાં, પણ અમે ગુજરાતના યુવાકલાકારોને જ પેઇન્ટિંગ માટે તક પૂરી પાડી છે.’

સોમનાથ મહાદેવના મંદિરની દીવાલ પર જે પેઇન્ટિંગ બની રહ્યાં છે એમાં નરસિંહ મહેતા, શિવબ્રહ્માંડ, શિવતાંડવ, રાધા-કૃષ્ણ, સમુદ્રમંથન, સોમનાથ મંદિરને મુસ્લિમ આક્રમણથી બચાવવા માટે શહીદી વહોરી લેનારા હમીરજી ગોહિલ જેવા અનેક પ્રસંગ કે સંત-મહાત્માનો સમાવેશ થાય છે.