ગુજરાતમાં સિંધી સમાજે બીજેપી-કૉન્ગ્રેસ પાસે મૂકી પાંચ બેઠકોની ટિકિટની ડિમાન્ડ

15 October, 2012 05:34 AM IST  | 

ગુજરાતમાં સિંધી સમાજે બીજેપી-કૉન્ગ્રેસ પાસે મૂકી પાંચ બેઠકોની ટિકિટની ડિમાન્ડ



અમદાવાદ બીજેપી અને કૉન્ગ્રેસ પક્ષ, સિંધી સમાજ સાથે ગુજરાત વિધાનસભાના ઉમેદવાર તરીકેની ટિકિટ ફાળવવામાં અન્યાય કરતા હોવાની લાગણી વ્યક્ત કરીને ગુજરાત સિંધી સમાજના અગ્રણીઓએ ગઈ કાલે એવો આક્ષેપ કર્યો હતો કે બીજેપીના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીને સિંધી સમાજને ટિકિટ ફાળવવા માટે રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ

આવ્યું નથી.

ગઈ કાલે સિંધી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ પંડિત સુભાષ શર્મા, જનરલ સેક્રેટરી રમેશ કૌરાણી સહિતના હોદ્દેદારોએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘ગુજરાતમાં સિંધી સમાજની ૨૦ લાખ કરતાં વધુ વસ્તી છે ત્યારે બીજેપી અને કૉન્ગ્રેસ પક્ષ દ્વારા સિંધી સમાજને પાંચથી છ બેઠકો પર વિધાનસભાની ટિકિટ મળવી જોઈએ. અમદાવાદમાં નરોડા, ભાવનગર, વડોદરા, ગાંધીધામ, ગોધરા અને સુરતમાં અમારા સમાજને ટિકિટ ફાળવવા માટે બીજેપી અને કૉન્ગ્રેસ પક્ષને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી અમને પ્રત્યુત્તર મળ્યો નથી. અમારી માગણી પર પૂરતું ધ્યાન નહીં આપવામાં આવે તો સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે અથવતા તો ચૂંટણીમાં નિષ્ક્રિય રહી શકે છે.’