ચાવીરૂપ વિટનેસ સિલ્વેસ્ટર પોલીસના સકંજામાં ફરી કેવી રીતે સપડાઈ ગયો?

10 October, 2011 09:04 PM IST  | 

ચાવીરૂપ વિટનેસ સિલ્વેસ્ટર પોલીસના સકંજામાં ફરી કેવી રીતે સપડાઈ ગયો?

 

 

શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૧૦

 

ગુજરાત પોલીસ દારૂ પીને છાકટી થતાં ભાગી ગયો, અજમેર જઈને પિસ્તોલ ખરીદી અને કોઈને ધમકાવવા ઉદયપુર પાછો આવ્યો, ઍડ્વોકેટનો સંપર્ક કરવાની ભૂલ ભારે પડી


સિલ્વેસ્ટરે તેના ઍડ્વોકેટના સૌથી વધુ કૉન્ટૅક્ટ કર્યા હતા અને એને કારણે તે પકડાઈ ગયો હતો. ઍડ્વોકેટના સંપર્કમાં રહેવાની આખી ઘટના તેના સુધી પહોંચવામાં પોલીસને મદદરૂપ બની હોવાનું ગુજરાતના પોલીસ-વડા ચિતરંજન સિંહે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું. સિલ્વેસ્ટર પોલીસોને તેના ઘરે લઈ ગયો હતો ત્યારે પોલીસે શરાબ પીધો હતો અને આઉટ ઑફ ઑર્ડર થઈ ગયા હોવાનું ખુદ ગુજરાતના પોલીસ-વડા ચિતરંજન સિંહે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિલ્વેસ્ટર પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યા પછી અજમેર ગયો હતો અને ત્યાં જઈને પિસ્તોલ ખરીદીને તે પાછો ઉદયપુર આવતો હતો ત્યારે રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ચિતરંજન સિંહે કહ્યું કે ‘અજમેરથી પિસ્તોલ ખરીદીને સિલ્વેસ્ટર જમીનના મામલામાં કોઈને થ્રેટેન (ધમકી આપવા) કરવા ઉદયપુર પાછો આવતો હતો. જમીનનો કોઈ સોદો હતો એમાં કોઈને જમીન સેલ કરવી હતી અને કોઈ ઍગ્રી નહોતું થતું એવી વાત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.’ પાંચ પોલીસો સસ્પેન્ડ અત્યારે સિલ્વેસ્ટર રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં છે અને તેની સામે હથિયારનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસના પાંચ કર્મચારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરીને તેમને કસ્ટડીમાં લીધા છે. સિલ્વેસ્ટર કેસમાં સંડોવાયેલા ગુજરાત પોલીસના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મારી પાસે પૈસા નહોતા

પોલીસને થાપ આપી નાસી છૂટેલો સિલ્વેસ્ટર ફરી પાછો રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો ત્યારે પ્રાથમિક તબક્કે પૂછપરછમાં એવી વાત બહાર આવી હતી, જેમાં સિલ્વેસ્ટરે એમ કહ્યું હતું કે મારી પાસે  પૈસા નહોતા અને મને પૈસા જોઈતા હતા.

અન્ય વ્યક્તિ કોણ હતી?

સિલ્વેસ્ટર ઉદયપુરના તેના ઘરેથી નાસી છૂટ્યો ત્યારે તેની સાથે કોઈક અન્ય વ્યક્તિ પણ હતી. આ વ્યક્તિ કોણ હતી એની પોલીસ તપાસ ચલાવી રહી છે. ગુજરાતના પોલીસ-વડા ચિતરંજન સિંહે પણ એ વાતને સમર્થન આપ્યું હતું કે સિલ્વેસ્ટર કોઈની સાથે હતો. જોકે તે કોણ હતું એ જાણવા નથી મળ્યું,  પણ સિલ્વેસ્ટરના ઘરે તેના મિત્રો રવિ, મનીષ અને બીજો એક મિત્ર પણ હતો. પોતાની માતા બીમાર છે અને તેની ખબર કાઢવાના બહાના હેઠળ ગુજરાત પોલીસને ભોળવવામાં સફળ રહેલો સિલ્વેસ્ટર તેના છટકામાં ગુજરાત પોલીસને ભેરવીને નાસી છૂટ્યા પછી અજમેર ગયો હતો અને ત્યાં તેણે એક પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલની ખરીદી તેણે શા માટે કરી એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી હોવાનું ચિતરંજન સિંહે કહ્યું હતું.

અન્ડરવર્લ્ડની આડકતરી મદદ

સિલ્વેસ્ટર ઉદયપુરમાં આવેલા તેના ઘરે ગુજરાત પોલીસને દારૂ પીવડાવીને ચકમો આપી નાસી છૂટ્યો હતો અને તેણે જમીન-પ્રકરણમાં કોઈની સોપારી લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે એટલે ભાગી છૂટ્યા બાદ સિલ્વેસ્ટરે અજમેર જઈને પિસ્તોલ ખરીદી. બસ, આ પિસ્તોલની ખરીદી સિલ્વેસ્ટરના પકડાવાનું કારણ એટલા માટે બની રહી છે કે સિલ્વેસ્ટરે પિસ્તોલ ખરીદી એની ખબર અન્ડરવર્લ્ડને પડી અને આ વાત રાજસ્થાન પોલીસના કાન સુધી પહોંચી ગઈ હતી.

અમને બોધપાઠ મળ્યો : પોલીસ

ગુજરાત પોલીસના જાપ્તામાંથી સિલ્વેસ્ટર ભાગી જવાના કેસમાં વડોદરાના પોલીસ-કમિશનર સતીશ શર્માએ બહુ જ સહજ રીતે એ વાતનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે ‘વી વિલ લર્ન અવર લેસન. હવે પછી આવી ભૂલ ન થાય એની તકેદારી રાખવામાં આવશે. આ સમગ્ર કેસની પ્રૉપર્લી તપાસ થશે અને ચાર પોલીસોને આ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’

મોદીનો મૉરલ સર્પોટ

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર સહિતના કેસોમાં મહત્વનો સાક્ષી સિલ્વેસ્ટર ગુજરાત પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જવાને પગલે ગુજરાત પોલીસ ઉપર ચારે તરફથી માછલાં ધોવાઈ રહ્યાં હતાં ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસૂચકતા વાપરીને ‘સમય વર્તે સાવધાન’ની કહેવતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને મૉરલ સર્પોટ આપ્યો હતો અને જોઈતી તમામ મદદ કરવાની ખાતરી આપતાં ગુજરાત પોલીસનું ટેન્શન હળવું થયું હતું અને આ કેસ તપાસની દિશામાં આગળ વધ્યો હતો.


ગુજરાતના પોલીસ-વડા ચિતરંજન સિંહે કહ્યું કે ‘આ કેસમાં પોલીસનો વિલ પાવર અને પૉલિટિકલ વિલ પાવર કામે લાગ્યો. રાજસ્થાન અને ગુજરાત રાજ્યની પોલીસે સાથે મળીને આ કેસમાં કો-ઑર્ડિનેશન કરીને કામ કર્યું એ સબક લેવા જેવી બાબત છે. અમારા સીએમ સ્ટ્રૉન્ગ છે ત્યારે ખુદના રાજ્યમાં આવું થાય એ પોલીસ માટે શરમજનક બાબત છે, પરંતુ મુખ્ય પ્રધાને બધી જ મદદ કરી અને મૉરલ સર્પોટ આપતાં કહ્યું કે તમે મહેનત કરો.’