કેશુભાઈને તેમનો ઉમેદવાર પાછો ખેંચવા શ્વેતા ભટ્ટની અપીલ

03 December, 2012 06:45 AM IST  | 

કેશુભાઈને તેમનો ઉમેદવાર પાછો ખેંચવા શ્વેતા ભટ્ટની અપીલ




અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણિનગર બેઠક પરથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે કૉન્ગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઊભાં રહેલાં શ્વેતા ભટ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલને તેમનો ઉમેદવાર પાછો ખેંચવા ગઈ કાલે અપીલ કરી હતી.

પ્રેસ-કૉન્ફરન્સમાં શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે ગુજરાતના તમામ વિરોધપક્ષોને અપીલ કરું છું કે નરેન્દ્ર મોદી સામેની લડાઈમાં મને સહકાર આપે. તેમણે ખાસ એમ પણ કહ્યું હતું કે જીપીપીને પણ હું તેમનો ઉમેદવાર પાછો ખેંચવા અપીલ કરું છું. મને વિશ્વાસ છે કે કેશુભાઈ પટેલ મને સર્પોટ કરશે.

વિરોધપક્ષોને અપીલ કરવા પાછળનું કારણ કહેતાં શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે આ ચૂંટણી હું મારા માટે નહીં, ગુજરાત વતી લડી રહી છું.

તેમને સવાલ કરવામાં આવ્યો કે કેશુભાઈ પટેલની પાર્ટી પણ નરેન્દ્ર મોદી સામે ચૂંટણીજંગ લડવા ઊતરી છે તો તેઓ આપને અપીલ કરશે તો આપ ચૂંટણીમાંથી હટી જશો? ત્યારે તેમણે આનો ઇન્ાકાર કરીને કોઈ પણ ભોગે ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી. જોકે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મારી આ ડિમાન્ડ રજૂ કરવા માટે હું કેશુભાઈ પટેલને રૂબરૂ મળવા જવાની નથી, પણ મિડિયા દ્વારા જ અપીલ કરું છું.

મણિનગરની બેઠક પરથી ગુજરાત પરિવર્તન પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, ભારતીય જનતા દળ અને અખિલ ભારત હિન્દુ મહાસભા પાર્ટીએ તેમના ઉમેદવાર ઊભા રાખ્યા છે અને એક અપક્ષે પણ ઉમેદવારીપત્રક ભર્યું છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે.

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી