રાજકોટમાં લૅન્ડમાફિયાએ કૃષ્ણાશ્રય હવેલી ખાલી કરાવી

29 August, 2012 04:52 AM IST  | 

રાજકોટમાં લૅન્ડમાફિયાએ કૃષ્ણાશ્રય હવેલી ખાલી કરાવી

ગીતા-સંદેશ દ્વારા રણમેદાન છોડવાને બદલે સામનો કરવાની સલાહ આપનારા કૃષ્ણે રાજકોટના રૉયલપાર્ક વિસ્તારમાં આવેલી પોતાની કૃષ્ણાશ્રય હવેલી ખાલી કરીને ગઈ કાલે નીકળી જવું પડ્યું હતું. હવેલીના પાછળના ભાગમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્ટેલના સંચાલક મહેન્દ્રસિંહ ઝાલા સાથે વારંવાર થતા ઝઘડા પછી હવેલીના બાવાશ્રી અભિષેકકુમારજીએ ઠાકોરજી સાથે હવેલી ખાલી કરવાનો નિર્ણય લીધો હતો.

વારંવાર થતો હતો પ્રૉબ્લેમ

હવેલીએ દર્શનાર્થે આવતા ભાવિકો સાથે વાહન પાર્ક કરવાની બાબતે અનેક વાર માથાકૂટ કર્યા પછી સોમવારે રાતે મહેન્દ્રસિંહ ઝાલાએ તેની સાથે અન્ય પાંચ સાગરીતોને લાવીને હવેલીમાં તોડફોડ કરી હતી અને ઠાકોરજીનો પ્રસાદ બનાવનારા રસોઈયા સહિત હવેલીમાં રહેલા અન્ય ત્રણને માર માર્યો હતો. ગઈ કાલે વહેલી સવારે મહેન્દ્રસિંહના માણસોએ હવેલીએ આવેલા ભાવિકોને પણ માર માયોર્ હતો અને ગંદી ગાળો આપીને હવેલીમાં નહીં જવાની ધમકી આપી હતી. આ મારામારીથી ત્રસ્ત આવીને બાવાશ્રી અભિષેકકુમારજી કોઈને કહ્યા વિના ઠાકોરજીને લઈને ચૂપચાપ હવેલીમાંથી નીકળી ગયા હતા. સવારે ૧૦ વાગ્યે ફરીથી ભાવિકો આવતાં તેમણે ઠાકોરજીનું સ્થાન ખાલી જોતાં બધા મૂંઝાયા અને પછી તપાસ શરૂ થતાં આડોશપાડોશમાં રહેતા લોકો પાસેથી આખી ઘટના જાણવા મળી હતી. રાજકોટના ડેપ્યુટી પોલીસ-કમિશનર રમેશચંદ્ર પાંડેએ કહ્યું હતું કે ‘મહારાજશ્રી અને ઠાકોરજીને વિધિવત્ પાછા લાવવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. મારામારી કરનારા સૌની શોધખોળ ચાલી રહી છે અને એ તમામની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.’બાવાશ્રી અત્યારે પોરબંદરમાં બાવાશ્રી અભિષેકકુમારજી અને ઠાકોરજી બન્ને અત્યારે પોરબંદરમાં છે. ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે આ સંદર્ભે વાત કરવાની ના પાડતાં કહ્યું હતું કે ‘જ્યાં મારો લાલો સુરક્ષિત ન હોય એવી જગ્યાએ હું પાછો નથી જવાનો.’

વૈષ્ણવ સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત

ઠાકોરજીએ લૅન્ડ-માફિયાઓને કારણે પોતાનું સ્થાનક છોડવું પડે એવી ઘટના કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બની છે. આ ઘટનાને કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવો રાજકોટમાં ભેગા થવાના છે અને એમાં રાજકોટની તમામ હવેલીના બાવાશ્રીઓ પણ મળવાના છે.