ગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત

06 March, 2021 01:03 PM IST  |  Gandhinagar | Agencies

ગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત

2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લાં બે વર્ષમાં ૩૧૩ સિંહોનાં મોતનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૩૧૩ સિંહ, સિંહણ અને સિંહબાળનાં મોત થયાં છે જેમાં વર્ષ ૨૦૧૯માં ૩૫ સિંહ, ૪૮ સિંહણ અને ૭૧ સિંહબાળનાં મોત થયાં છે. વર્ષ ૨૦૨૦માં ૩૬ સિંહ, ૪૨ સિંહણ અને ૮૧ સિંહબાળનાં મોત થયાં છે. જોકે આ ૩૧૩ મોતમાંથી કુદરતી રીતે ૨૯૦ સિંહ, સિંહણ અને સિંહબાળનાં મૃત્યુ નોંધાયાં છે. અકુદરતી મૃત્યુના ૨૩ કિસ્સા નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો રહ્યાં છે, જે વિશે કૉન્ગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે, જેના કારણે સિંહના કુદરતી ખોરાકમાં ઘટાડો થયો છે. વન વિભાગ આ સિંહોને ખોરાક માટે બહારથી મરેલાં પશુઓ આપે છે, જેના કારણે સિંહોનાં મોતમાં વધારો થયાનો વીરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. વીરજી ઠુમરે કહ્યું કે એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે ત્યારે આ વિશે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જોકે કૉન્ગ્રેસી ધારાસભ્યના આ આક્ષેપને વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યાં છે, જેના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે સિંહોની વસ્તી વધી છે.
સિંહોનાં અકુદરતી મૃત્યુ અટકાવવા સીસીટીવી કૅમેરા, મૉનિટરિંગ અને ટ્રેકર્સ સહિતનાં પગલાં લેવાયાં છે. અકુદરતી મોત અટકાવવા સરકારે રૅપિડ ઍક્શન ટીમ અને રેસ્ક્યુ ટીમની રચના કરી છે. ચેકિંગ નાકા પર સીસીટીવી કૅમેરા મૂકવામાં આવ્યા છે. અસુરક્ષિત કૂવાઓને પેરાપીટ વૉલથી સુરક્ષિત કરાયા છે, જેના કારણે અકુદરતી બનાવો ઘટ્યા છે. સરકારે કોઈ પણ સિંહને અભયારણ્યમાંથી બહાર ન મોકલ્યાનો વનપ્રધાને દાવો કર્યો છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કૉન્ગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ વિગતો આપી હતી.

gandhinagar national news gujarat