ટ્રમ્પ હજાર કરતાં વધારે વાર અમેરિકામાં જૂઠ્ઠું બોલ્યા: શંકરસિંહ વાઘેલા

24 February, 2020 03:24 PM IST  |  Mumbai Desk

ટ્રમ્પ હજાર કરતાં વધારે વાર અમેરિકામાં જૂઠ્ઠું બોલ્યા: શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. દરમિયાન તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ વિઝિટને લઈને આયોજકો અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેવાની હતી તે રદ થવાને કારણે તેમણે આ પ્રહારો કર્યા હોય તેવું લાગી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાત છેલ્લા એક મહિનાથી થઈ રહી છે ત્યારે આમ એકાએક સમિતિની રચના કરવાનું કારણ શું? શંકરસિંહ વાઘેલાનું કહ્યું કે, "લોકશાહી મહાન છે મોદી કે ટ્રમ્પ નહીં. બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલે ગાંધીજીને પડતાં મૂકવામાં આવ્યા છે.

આપણાં વડાપ્રધાન અમેરિકાના સ્ટેડિયમમાં જાય ત્યાં હાઉડી મોદી ચાલે અને એ પણ ત્યાંના ભારતીયોના ખર્ચે, ટ્રમ્પે એક રૂપિયાનો ખર્ચ કર્યો નથી." એટલું જ નહીં, શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે, "આજે ટ્રમ્પ અહીં આવે છે ત્યારે હું ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યો છું અને તેમને પૂછ્યું કે તમને કોઇ સમાચાર છે. ગાંધીજીના સમર્થકો નહીં પણ ગોડસેના મંદિરો કરવાવાળા લોકોએ ગાંધી આશ્રમની આજની મુલાકાત રદ હશે તેવો મને વહેમ છે."

"જે સ્ટેડિયમ છે તેનું ઉદ્ઘાટન નથી થવાનું, સ્ટેડિયમવાળાએ નથી બોલાવ્યો ટ્રમ્પને, રાજ્ય સરકાર કહે છે કે અમે નથી બોલાવ્યા, વિદેશ ખાતું સાચવનારા પણ કહે કે અમે નથી બોલાવ્યા, તો બોલાવ્યા કોણે?, આ કઇ સમિતિ છે? એવો પ્રશ્ન પણ શંકરસિંહ વાઘેલાએ કર્યો. તેમણે વધુંમાં કહ્યું હતું કે, "તમે કોઇને પણ બોલાવો પરંતુ ગુજરાતની જનતાના ટેક્સના પૈસા બરબાદ કરવાનો તમને અધિકાર નથી. તમે એકાઉન્ટેબલ છો, તમે પારદર્શક હોવા જોઇએ. તમે સ્ટેડિયમમાં એક લાખ લોકો ભેગા કર્યા તો એ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી તો આ બધાં રૂપિયા ક્યાંથી આવ્યા?"

વધુમાં તેમણે ઉમેર્યું કે ટ્રમ્પ એક હજાર કરતાં વધારે વાર અમેરિકામાં ખોટું બોલ્યા છે અને આપણાં સાહેબના એક-એક શબ્દમાં જૂઠ સિવાય કંઇ નીકળતું નથી. જો તમે સાદગી અને સત્યના પ્રતીક એવા ગાંધી આશ્રમમાં પગ મૂક્યો હોત તો તેમને સત્ય બોલવા માટે પ્રેરણા આપત. પણ તમે ગાંધીજીને પડતાં મૂકીને તાજમહેલ જોવા નીકળ્યા. ટ્રમ્પની તાજમહેલ કંપનીએ તો દેવાળું કાઢ્યું છે, અને તેની જે પાર્ટી છે તે એવું કહે છે કે હું ઇન્ડિયાને પ્રેમ નથી કરતો. તો અહીં આવો છો શા માટે?

ટ્રમ્પની પત્ની પાછળ તાજ મહેલ જોવા ગાંધીને પડતાં મૂકતાં શરમ આવવી જોઇએ
શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે, "તમે ગુજરાતમાં હતા ત્યારે પણ ગરબડ કરતાં અને દિલ્હીમાં છો તો ત્યાં પણ ગોટાળા કરી રહ્યા છો. અર્થતંત્ર ભાંગી નાખ્યું છે, બેકારી વધારી. દેશની જનતાને લૂંટીને ખોટું ચલાવનારા બન્ને. ગાંધીજી, જેમણે ખોટું ન બોલવાનો નિર્ણય લીધો તેમના ગાંધી આશ્રમની મુલાકાત પડતી મૂકી ત્યારે તમે સત્યના નહીં જુઠ્ઠાણાંના પૂજારી છો. ગાંધીજીની મુલાકાત પડતી મૂકીને તાજનો દીદાર કરવા માટે તમે જાઓ. તમે તો તાજ મહેલના વિરોધી છો. પણ ટ્રમ્પની પત્નીને તાજ મહેલ જોવો છે એટલા માટે લાળ ટપકાવતાં-ટપકાવતાં તેની પાછળ તાજ મહેલ જોવા ગાંધીને પડતાં મૂકો ત્યારે તમને શરમ આવવી જોઇએ."

donald trump narendra modi national news gujarat