કેશુભાઈ પટેલને કારણે અમે હારી ગયા : કૉન્ગ્રેસ

21 December, 2012 03:45 AM IST  | 

કેશુભાઈ પટેલને કારણે અમે હારી ગયા : કૉન્ગ્રેસ



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ હાર-જીત માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. કૉન્ગ્રેસે કાલે પરાજય માટે કેશુભાઈ પટેલને જવાબદાર ગણાવ્યા હતા, જ્યારે મોદીની જીતનું શ્રેય મિડિયાને આપ્યું હતું. કૉન્ગ્રેસના સિનિયર નેતા શકીલ અહમદે કહ્યું હતું કે આ પરિણામો જોતાં એવું લાગે છે કે કેશુભાઈ પટેલની પાર્ટી જીપીપીએ બીજેપીના વોટ મેળવવાને બદલે સરકારવિરોધી જુવાળને કારણે કૉન્ગ્રેસતરફી વોટ કાપવાનું કામ કર્યું છે અને એટલે જ રાજ્યમાં કૉન્ગ્રેસની હાર થઈ છે.

બીજેપીની જીત વિશે શકીલ અહમદે એમ કહ્યું હતું કે ‘મિડિયાએ મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા એટલે ગુજરાતના લોકોમાં રાજ્યની વ્યક્તિને વડા પ્રધાન તરીકે જોવાની ઇચ્છા પ્રબળ થઈ અને એટલે જ આ ચૂંટણીમાં મોદીની જીત થઈ છે. મોદી મિડિયા-મૅનેજર છે. જીતનું કારણ તેમનું પબ્લિક રિલેશન્સ અભિયાન છે.’

અગાઉ કાલે સવારે નાણાપ્રધાન ચિદમ્બરમે કહ્યું હતું કે એક રીતે ગુજરાતમાં કૉન્ગ્રેસની જીત થઈ છે, કારણ કે અમે મોદીને ૧૧૫ બેઠકો સુધી જ અટકાવવામાં સફળ થયા છીએ.