ગુજરાતમાં શાહરુખ કૉન્ગ્રેસનો કરશે પ્રચાર?

13 November, 2012 03:23 AM IST  | 

ગુજરાતમાં શાહરુખ કૉન્ગ્રેસનો કરશે પ્રચાર?



ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં બીજેપી વતી ચૂંટણીપ્રચાર માટે બોલાવવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અજય દેવગણ, જૅકી શ્રોફ, અમિતાભ બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા જેવાં અનેક જાણીતાં ઍક્ટર-ઍક્ટ્રેસ તૈયાર થઈ જાય, પણ ગુજરાત આવીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અને કૉન્ગ્રેસની ફેવરમાં કૅમ્પેન કરવા માટે બૉલીવુડનો કોઈ ઍક્ટર તૈયાર નથી થતો. કૉન્ગ્રેસ સાથે જોડાયા ન હોય અને એમ છતાં કૉન્ગ્રેસના વેલ-વિશર હોય એવા કોઈ ઍક્ટર ગુજરાતમાં મોદી વિરુદ્ધ પ્રચાર કરવા તૈયાર નહોતા, પણ હવે આ જવાબદારી શાહરુખ ખાને સંભાળી છે અને નવેમ્બર મહિનાના એન્ડમાં કે ડિસેમ્બરના ફસ્ર્ટ-વીકમાં તે ગુજરાતમા કૉન્ગ્રેસ વતી કૅમ્પેન કરવા આવવાનો છે. ગુજરાત કૉન્ગ્રેસના એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં શાહરુખ સુરત અને અમદાવાદ એમ બે રોડ-શો કરશે. વડોદરા અને રાજકોટમાંથી કોઈ એક શહેરમાં રોડ-શોની વાત ચાલી રહી છે. જો ડેટનો પ્રૉબ્લેમ નહીં નડે તો આ શહેરમાં રોડ શો થશે.’

શાહરુખ ખાનને ગુજરાતમાં કૅમ્પેન માટે રાહુલ ગાંધીએ મનાવ્યો હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી અને શાહરુખ ખાન વચ્ચે દોસ્તી છે, જેને કારણે કિંગ ખાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જવા પણ તૈયાર થયો છે. અલબત, આ કૅમ્પેન તે દોસ્તી દાવે નથી કરવાનો. કૉન્ગ્રેસ સાથે સંકળાયેલા નેતાઓના કહેવા પ્રમાણે શાહરુખ ખાનને ત્રણ રોડ શો માટે આઠ આંકડાની રકમ ચૂકવવામાં આવી છે.