ઇશરત જહાં એન્કાઉન્ટર કેસને લઈ નરેન્દ્ર મોદી ફરી વિવાદમાં

22 November, 2011 08:05 AM IST  | 

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસને લઈ નરેન્દ્ર મોદી ફરી વિવાદમાં

 

એણે જણાવ્યું હતું કે ઇશરત જહાં અને તેના મિત્રો જાવેદ ગુલામ શેખ, પ્રાણેશ પિલ્લૈ, અમજદ અલી અને અકબર અલી એમ કુલ પાંચ વ્યક્તિઓનું એન્કાઉન્ટર ફેક છે. આ એન્કાઉન્ટર ૧૫ જૂન ૨૦૦૪ની વહેલી સવારે નહીં પણ એ પહેલાં જ થઈ ગયું હતું. ઇશરત જહાં એન્કાઉન્ટર ફેક હોવાની આ દલીલની સાથે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ગુજરાત હાઈ ર્કોટ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ આ એન્કાઉન્ટર પ્રમોશનના હેતુથી કે અન્ય કોઈ રાજકીય હેતુસર કર્યું હોવાની શક્યતા છે.


છ પોલીસ-ઑફિસર સામે હત્યાનો કેસ


સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવની આ રજૂઆત પછી હાઈ ર્કોટની જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ અભિલાષાકુમારીની બેન્ચે આ એન્કાઉન્ટરમાં સામેલ છ પોલીસ-ઑફિસર સામે આઇપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ ૩૦૨ (હત્યાનો ગુનો) દાખલ કરીને નવી એફઆરઆઇ (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) ફાઇલ કરવાનો ઑર્ડર આપ્યો છે. એને કારણે હવે ગુજરાતના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર પી. પી. પાંડે, ડી. જી. વણઝારા, જી. એલ. સિંઘલ અને એન. કે. અમીનની સામે પોલીસફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ચાર આઇપીએસ ઑફિસરમાંના ડી. જી. વણઝારા અને એન. કે. અમીન તો ઑલરેડી સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં પોલીસકસ્ટડીમાં જ છે.


છ પોલીસ-ઑફિસર સામે નવી એફઆરઆઇ દાખલ કરવાના ઑર્ડરની સાથે જ ગુજરાતનું રાજકારણ વધુ એક વાર ગરમ થઈ ગયું છે. ગઈ કાલે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના અજુર્ન મોઢવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોહરાબુદ્દીન પછી ઇશરત જહાં કેસ પણ ફેક છે. આ જ સાબિત કરે છે કે માત્ર મોદીને હીરો બનાવવા માટે આ બધાં એન્કાઉન્ટર કરવામાં આવ્યાં હતાં. હું તો કહું છું કે ૨૦૦૪થી ૨૦૦૯ દરમ્યાન ગુજરાતમાં થયેલાં તમામ એન્કાઉન્ટરની ફાઇલ ખોલવામાં આવે જેથી મોદી માટે કરવામાં આવેલી તમામ હત્યાઓ બહાર આવે.’

સરકાર શું કહે છે?


ઇશરત જહાં એન્કાઉન્ટર ફેક હોવાના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમના રિપોર્ટ અને હાઈ ર્કોટે કરેલા ઑર્ડર પછી ગુજરાત સરકારના ઑફિશ્યલ સ્પોક્સમૅન જયનારાયણ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યાયિક પ્રક્રિયાનું અમે સન્માન કરીએ છીએ. આજના તબક્કે આથી વિશેષ કશું પણ કહેવું અયોગ્ય ગણાશે.’

મોદીના ચહેરા પર કોઈ મૂંઝવણ નહીં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી કામગીરી કરનારા અને સંઘના પાયાના પથ્થર ગણાતા રાજકોટના ઍડ્વોકેટ યશંવત ભટ્ટની પૌત્રીના મૅરેજ-ફંક્શનમાં ગઈ કાલે રાત્રે પોણાઆઠ વાગ્યે રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ આ ફંક્શનમાં આવવાનું ટાળશે એવો અણસાર ગઈ કાલે બપોરે ઇશરત જહાં કેસની સુનાવણી પછી મળ્યો હતો, પણ મુખ્ય પ્રધાન પોતાના પ્રૉમિસને વળગી રહ્યા અને ગઈ કાલના મૅરેજ-ફંક્શનમાં હાજર રહ્યા હતા. હેલિકૉપ્ટરમાં ગાંધીનગરથી રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન મૅરેજ-ફંક્શનમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર બપોરની સુનાવણીની કોઈ મૂંઝવણ દેખાતી નહોતી. પ્રિન્ટ-મિડિયા અને ટીવીચૅનલના જર્નલિસ્ટોએ મોદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ મુખ્ય પ્રધાનના કાફલાએ તેમના સુધી તેમને પહોંચવા દીધા નહોતા.


મુખ્ય પ્રધાન માત્ર અડધો કલાક જ મૅરેજ-ફંક્શનમાં હાજર રહેવાના હતા, પણ તેઓ સવા કલાક જેટલું રોકાયા હતા. રિસેપ્શનમાં તેઓ જમશે નહીં એવી સૂચના આપવામાં આવી હોવા છતાં તેમણે ડિનર લેવાની ઇચ્છા વ્યક્ત કરતાં મુખ્ય પ્રધાન માટે અલગ રૂમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.