કચ્છમાં એટીએમના દોઢ કરોડ લઈને સિક્યૉરિટી ગાર્ડ રફુચક્કર

13 September, 2012 05:41 AM IST  | 

કચ્છમાં એટીએમના દોઢ કરોડ લઈને સિક્યૉરિટી ગાર્ડ રફુચક્કર


ગાંધીધામના બે અને અંજારના એક એટીએમમાં ભરવાના દોઢ કરોડ રૂપિયા લઈને સિક્યૉરિટી ગાર્ડ રફુચક્કર થઈ ગયા હોવાથી આ બન્ને બૅન્કના સિનિયર ઑફિસર પણ છેલ્લા બે દિવસથી ભુજ આવ્યા છે. આ ઘટના ૨૮ ઑગસ્ટની સવારે બની હતી, પણ બૅન્કે જે કંપનીને એટીએમ મશીનમાં પૈસા ભરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો એ સિક્યૉરિટી કંપનીની દરમ્યાનગીરીથી આ ઘટના વિશે કોઈ પોલીસફરિયાદ કરવામાં આવી નહોતી. કચ્છ (પૂર્વ) જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દિવ્ય મિશ્રાએ કહ્યું હતું કે ‘આવી ઘટના બની છે અને એ માટે બૅન્કના ઑફિસર ઍડવાઇઝ લેવા માટે મળ્યા પણ છે, પરંતુ હજી સુધી કોઈ પોલીસ કમ્પ્લેઇન આવી નથી.’

૨૮ ઑગસ્ટની સવારે ગાંધીધામ અને અંજારના એટીએમ ભરવા માટે દોઢ કરોડ રૂપિયા સાથે રવાના થયેલી બે અલગ-અલગ ટીમ એ પૈસા એટીએમમાં ભરવાને બદલે સીધી ફરાર થઈ ગઈ હોવાનું કહેવાય છે. કુલ પાંચ લોકોની આ ઘટના માટે તપાસ ચાલી રહી છે. બૅન્કે જે સિક્યૉરિટી કંપનીને કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો એ સિક્યૉરિટી કંપનીના બે ઑફિસર પણ ઘટના બની એ જ દિવસથી કચ્છમાં આવી ગયા છે. પોલીસ ફરિયાદ લખાવાય નહીં હોવાથી પોલીસે કોઈ ઑફિશ્યલ ઍક્શન લેવાના શરૂ નથી કર્યા પણ છાના ખૂણે આ કેસની તપાસ પોલીસ પણ કરી રહી છે.

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન