ગુજરાત : અહીં નિર્જન સ્થળેથી થતી પાકિસ્તાનમાં વાત

03 July, 2017 04:10 AM IST  | 

ગુજરાત : અહીં નિર્જન સ્થળેથી થતી પાકિસ્તાનમાં વાત



ભુજ તાલુકાના બેરડો અને ઉમેદપર ગામ વચ્ચેના નિર્જન વિસ્તારમાં સૅટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાતચીત થયાનાં સિગ્નલ ટ્રેસ થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે રણકાંધીના બેરડો ગામમાં સઘન કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. કૉમ્બિંગ ઑપરેશન દરમ્યાન પોલીસને જે સ્થળેથી સિગ્નલ ટ્રૅસ થયાં હતાં એ વિસ્તારમાંથી કમ્પ્યુટરનું એક CPU, એક સિમ કાર્ડ અને બે CD મળી આવ્યાં છે. કૉમ્બિંગ અંતર્ગત પોલીસે એક મૌલવી સહિત પાંચ શકમંદ વ્યક્તિને પૂછપરછ માટે રાઉન્ડઅપ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઝડપાયેલા કેટલાક શખસો રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું પણ ચર્ચાય છે.

ગયા સોમવારે બપોરે સવાત્રણ વાગ્યે બેરડો અને ઉમેદપર વચ્ચે નિર્જન વિસ્તારમાં સૅટેલાઇટ ફોનનાં સિગ્નલ ટ્રેસ થયાં હતાં. એક અનુમાન એવું હતું કે એ સમયે આકાશમાંથી પસાર થતા પ્લેનમાંથી પણ કોઈકે સૅટેલાઇટ ફોન મારફત પાકિસ્તાન વાત કરી હોય તો એનાં સિગ્નલ ટ્રેસ થયાં હોઈ શકે, પરંતુ પોલીસની સઘન તપાસમાં એ સમયે કોઈ પ્લેન ઉપરથી પસાર થયું ન હોવાનું બહાર આવતાં આ વાત જમીન પરથી જ થઈ હોવાનું સ્પક્ટ થયું હતું.

પોલીસ-સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઑપરેશન કરતાં પહેલાં પોલીસે ગૂગલ-મૅપ પરથી બેરડો ગામનો મૅપ તૈયાર કર્યો હતો. એના પ્રત્યેક નાકા પર ઘેરાબંધી કરવામાં આવી હતી અને ગામની ફરતે ચાર પોલીસ-ટુકડીઓએ કિલ્લેબંધી કરી હતી. બાદમાં પોલીસે ઘર-ઘરમાં કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. ગઈ કાલે સાડાબાર વાગ્યે ઑપરેશન પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ કેટલીક ટીમ રિઝર્વ રખાઈ હતી.