સાસણ સૅન્ક્ચ્યુઅરીમાં વર્લ્ડ બૅન્ક બનાવશે ગીર લર્નિંગ સેન્ટર

23 December, 2011 06:43 AM IST  | 

સાસણ સૅન્ક્ચ્યુઅરીમાં વર્લ્ડ બૅન્ક બનાવશે ગીર લર્નિંગ સેન્ટર



શૈલેશ નાયક


અમદાવાદ, તા. ૨૩

વર્લ્ડમાં ગુજરાતના ડાલમથ્થા સાવજની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે ત્યારે હવે વર્લ્ડ બૅન્ક પણ ગીરના સિંહો અને જંગલથી મોહિત થઈને સાસણ સૅન્ક્ચ્યુઅરીમાં ગીર લર્નિંગ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એના ભાગરૂપે વર્લ્ડ બૅન્કની ટીમે સાસણગીર જંગલની ખાસ મુલાકાત લીધી હતી. સાસણગીરના ડીએફઓ (ડિસ્ટ્રિક્ટ ફૉરેસ્ટ ઑફિસર) ડૉ. સંદીપકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્લ્ડ બૅન્ક અહીં ગીર લર્નિંગ સેન્ટર બનાવવા માગે છે અને એના ભાગરૂપે એની ટીમે બુધવારે સાસણગીરની મુલાકાત લીધી હતી. ગીરમાં શું વ્યવસ્થા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે એ બાબતે આ ટીમે જાતમાહિતી મેળવી હતી. આ ટીમ જંગલમાં ફરી હતી અને ઘણોબધો અભ્યાસ કર્યો હતો. આ સેન્ટર માટે વર્લ્ડ બૅન્ક ફાઇનૅન્સ પૂરું પાડશે, જ્યારે ટેક્નિકલ સ્ટાફ ગુજરાતનો રહેશે. આ ઉપરાંત રિસોર્સ-પર્સન પણ રાખવામાં આવશે અને તેમની ટીમ બનશે.’

આ પ્રોજેક્ટનો હેતુ સાસણગીર આવતા પ્રવાસીઓ જંગલમાં પ્રાણીઓ અને જંગલનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે એની યોગ્ય માહિતી અને સમજણ આપવાનો છે. ડૉ. સંદીપકુમારે કહ્યું હતું કે ‘ટૂરિસ્ટોને એક સમાજમાં વન્યજીવનની સાચવણીની યોગ્ય માહિતી ફેલાવવા માટેની ઑપોચ્યુર્નિટી તરીકે જોવા જોઈએ. હવે ગીરમાં આવતા ટૂરિસ્ટોને લાયન વિશે તમામ માહિતી શીખવીને મોકલવામાં આવશે તેમ જ તેમને જંગલ બાબતે માહિતગાર કરવામાં આવશે.’