ગીરમાં સિંહને જોવાનો રોમાંચક લહાવો લેવા માટે ધસારો : પહેલા દિવસે તમામ પરમિટ ફુલ

17 October, 2014 06:19 AM IST  | 

ગીરમાં સિંહને જોવાનો રોમાંચક લહાવો લેવા માટે ધસારો : પહેલા દિવસે તમામ પરમિટ ફુલ



ચોમાસા દરમ્યાન ગીર નૅશનલ પાર્ક ઍન્ડ સેન્ક્ચ્યુઅરીને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. એ ૧૬ જૂનથી બંધ હતું. હવે ચોમાસું પૂરું થતાં ગઈ કાલથી સાસણગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગીર નૅશનલ પાર્ક ઍન્ડ સેન્ક્ચ્યુઅરી, વાઇલ્ડ-લાઇફ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ડૉ. સંદીપ કુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલા જ દિવસે સિંહદર્શન માટે સહેલાણીઓ ઊમટી પડતાં તમામ ૯૦ પરમિટ પૂરી થઈ ગઈ હતી. આ વખતે ગીર માટે સહેલાણીઓમાં ભારે અક્ટ્રૅશન છે અને સાસણ ગીરમાં સિંહદર્શન માટે દેશ–વિદેશમાંથી ડિસેમ્બર સુધી ઑનલાઇન બુકિંગ થયું છે.’

ગઈ દિવાળીના વેકેશન દરમ્યાન સાત-આઠ દિવસમાં ૪૦ હજારથી વધુ સહેલાણીઓએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી, પરંતુ આ વખતે દિવાળી વેકેશનમાં વધુ પ્રવાસીઓ આવવાની ધારણા રાખવામાં આવી રહી છે. ગઈ કાલે સિંહદર્શન માટે આવેલા સહેલાણીઓને ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ડૉ. સંદીપ કુમાર અને તેમના સ્ટાફે બુકે આપીને તેમ જ મીઠાઈથી મોં મીઠું કરાવીને આવકાર્યા હતા.

૨૦૧૦ની વસ્તીગણતરી પ્રમાણે હાલમાં ગીરમાં ૪૧૧ સિંહ, સિંહણ અને સિંહબાળ છે. જોકે છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન એમની સંખ્યામાં વધારો થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અને આ વખતે સહેલાણીઓને જંગલમાં અને દેવળિયા પાર્કમાં હરતા-ફરતા સિંહોનાં બચ્ચાં જોવા મળી શકે છે.