છલકાયો સરદાર સરોવર ડેમ, જળસપાટી થઈ 133.06 મીટર

21 August, 2019 09:46 AM IST  |  નર્મદા

છલકાયો સરદાર સરોવર ડેમ, જળસપાટી થઈ 133.06 મીટર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ વિક્રમજનક સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી ડેમમાં 2 લાખ 78 હજાર 205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમમાં જળસ્તર 133.06 મીટરની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા ખોલી નખાયા છે. હાલ સરદાર સરોવર ડેમમાંથી 1 લાખ 71 હજાર 579 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પણ જળસ્તર વધ્યું છે. ડેમમાંથી નર્મદામાં પાણી છોડાતાં નદી બેં કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણીનું સ્તર વધતા છેલ્લા પાંચ દિવસથી કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે સ્થાનિકોને આવનજાવન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ પાણી છોડાતા ટર્બાઈન સતત ચાલી રહ્યા છે. સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઈન ધમધમી ઉઠ્યા છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતા વાળા ટર્બાઇન પણ ચાલુ થયા છે. જેને કારણે 24 કલાકમાં આ પાવરહાઉસમાંથી 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે પહેલી વખત નર્મદા ડેમના દરવાજા વારંવાર ખોલવાની ફરજ પડી છે. ડેમમાં દરવાજા મૂકાયા પછી આ પ્રથમ ચોમાસું એવું છે જેમાં સતત દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે.

 

gujarat news