સલામ કરો આ ડૉક્ટરોને…

23 May, 2020 08:08 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સલામ કરો આ ડૉક્ટરોને…

હૉસ્પિટલના અસિસ્ટન્ટ આરએમઓ ડૉ. કલ્પેશ જસપરા.

કોરોનાની મહામારીમાં ગુજરાતના ગાંધીનગરમાં આવેલી જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલમાં ગયા વીકમાં ડિલિવરી માટે ઍડ્મિટ થયેલી ત્રણ પ્રસૂતાઓનું હિમોગ્લોબીન ઓછું થતાં તેમને બ્લડની જરૂર પડી હતી, પરંતુ લૉકડાઉનને કારણે બહારથી બ્લડ મેળવવામાં તકલીફ પડતાં પ્રસૂતાઓને બચાવી લેવા માટે માનવીય અભિગમ અપનાવતાં એક પછી એક એમ ચાર ડૉક્ટરોએ પળનોય વિચાર કર્યા વિના બ્લડ ડોનેટ કર્યું હોવાની સરાહનીય સુખદ ઘટના બની હતી. બીજી તરફ ડૉક્ટરોએ કરેલા બ્લડ ડોનેટની વાતની ખબર હૉસ્પિટલના સ્ટાફને પડતાં છેલ્લા ૬ દિવસથી હૉસ્પિટલમાં સ્વૈચ્છિક રક્તદાન યજ્ઞ શરૂ થયો છે અને ગઈ કાલ સુધીમાં ૧૭૫ જેટલી બૉટલ બ્લડ એકત્ર થયું છે.

લૉકડાઉનને કારણે બ્લડ મેળવવામાં તકલીફ ઊભી થતાં હૉસ્પિટલના અસિસ્ટન્ટ આરએમઓ ડૉ. કલ્પેશ જસપરાને વિચાર આવ્યો કે આપણે જ બ્લડ આપી તો? આ વિચાર આવ્યો અને તેમણે બ્લડ ડોનેટ કર્યું. ત્યાર બાદ હૉસ્પિટલના અન્ય બે ડૉક્ટરો તેમ જ તેમને મળવા આવેલા એક ડૉક્ટર-મિત્રને આ વાતની જાણ થતાં તેઓએ પણ ઘડીનો વિચાર કર્યા વગર બ્લડ ડોનેટ કર્યું હતું. આ વાતની ખબર સ્ટાફમાં થતાં સ્ટાફના અન્ય કર્મચારીઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું અને ત્રણ પ્રસૂતાઓને બચાવી લેવાઈ હતી. પ્રસૂતાઓ માટે થયેલા રકતદાન પછી છેલ્લા ૬ દિવસથી હૉસ્પિટલમાં સ્વયંભૂ રક્તદાન યજ્ઞ શરૂ થયો છે જેમાં રોજેરોજ આરોગ્ય કર્મચારીઓ તેમ જ રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે જેને કારણે હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૫ બૉટલ બ્લડ એકત્ર થયું છે.

ડૉ. કલ્પેશ જસપરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હૉસ્પિટલમાં આજુબાજુનાં ગામડાંઓમાંથી પેશન્ટ આવે છે. એવી રીતે ત્રણ પ્રસૂતાઓ હૉસ્પિટલમાં ડિલિવરી માટે આવી હતી. તે એનિમિક હતી. હિમોગ્લોબીન ઓછું હતું એટલે તેમને માટે બ્લડની જરૂર પડી હતી, પણ લૉકડાઉનને કારણે અમને બ્લડ મેળવવામાં મુશ્કેલી પડી હતી. એક વખત તો અમદાવાદથી બ્લડની બૉટલ મળી ગઈ, પણ બ્લડની બીજી બૉટલોની પણ જરૂરિયાત હતી. શું કરવું એ પ્રશ્ન હતો એવામાં મને વિચાર આવ્યો કે આપણે જ બ્લડ આપીએ તો? એટલે મેં તરત જ બ્લડ ડોનેટ કર્યું. મારા સાથી-ડૉક્ટર કલ્પેશ પરીખ અને ડૉ. ચિંતન સોલંકીને આ વાતની જાણ થતાં તેઓએ પણ બ્લડ ડોનેટ કર્યું, એટલું જ નહીં, અમને મળવા આવેલા ડૉક્ટર-મિત્ર દિનેશ રાઠોડને આ વાતની ખબર પડતાં તેઓએ જરા પણ વિચાર કર્યા વિના પ્રસૂતાઓ માટે બ્લડ ડોનેટ કર્યું હતું. સ્ટાફમાં આ વાત થતાં સૅનિટરી ઇન્સ્પેક્ટર પ્રકાશ પરમાર સહિત બીજા ચાર કર્મચારીઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. એ વખતે અમારી પાસે ૭ બૉટલ બ્લડ એકત્ર થયું હતું અને પ્રસૂતાઓને એ બ્લડ આપ્યું હતું.’

coronavirus covid19 gujarat gandhinagar shailesh nayak