હાઉસિંગ બોર્ડના ફ્લૅટના ફૉર્મ-વિતરણની અફવાએ અમદાવાદમાં બોલાવ્યો દેકારો

28 August, 2012 05:31 AM IST  | 

હાઉસિંગ બોર્ડના ફ્લૅટના ફૉર્મ-વિતરણની અફવાએ અમદાવાદમાં બોલાવ્યો દેકારો

વિધાનસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસ દ્વારા ગુજરાતની ગરીબ પરિવારની મહિલાઓને આપવામાં આવેલા ‘ઘરનું ઘર’ યોજનાના વચન પછી ગુજરાત સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ૬૩૦૦ ફ્લૅટની સ્કીમનાં ફૉર્મનું વિતરણ સોમવારે સવારે કરવામાં આવશે એવી અફવા ઊડતાં ગઈ કાલે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડની ઑફિસ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી જે હટાવવા અમદાવાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરતાં ત્રણ મહિલા સહિત પાંચ લોકોને ઈજા થઈ હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ચૅરમૅન જયંતી બારોટે કહ્યું હતું કે ‘ફૉર્મ-વિતરણની તારીખ પ્રેસ-કૉન્ફરન્સમાં ડિક્લેર કરવામાં આવશે અને પેપરમાં એની જાહેરખબર પણ આપવામાં આવશે એવી જાહેરાત પછી પણ કોઈ ટીખળખોરે ફૉર્મ-વિતરણ સોમવારથી શરૂ થશે એવો લ્પ્લ્ ફરતો કરતાં લોકો તપાસ કર્યા વિના આવી ગયા હતા.’

સસ્તા દરના ઘર માટે રવિવારે મોડી રાતથી જ લોકો બોર્ડની ઑફિસની બહાર લાઇનમાં ગોઠવાઈ ગયા હતા. ગઈ કાલે સવારે નવ વાગ્યા સુધીમાં તો બોર્ડની ઑફિસના કૅમ્પસમાં છથી સાત હજાર જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. બોર્ડના અધિકારીઓએ આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી, પણ લોકો જવા માટે તૈયાર ન હોવાથી ભીડને વિખેરવા નાછૂટકે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ લોકો ફૉર્મ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઑફિસમાં પહોંચી ગયા હતા. જોકે આ શહેરોમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને પોલીસે બળ વાપર્યા વિના ભીડને વિખેરી નાખી હતી.