રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ, જવાહર ચાવડા, યોગેશ પટેલ, હકુભાને સ્થાન

09 March, 2019 01:15 PM IST  |  અમદાવાદ

રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ, જવાહર ચાવડા, યોગેશ પટેલ, હકુભાને સ્થાન

રૂપાણી કેબિનેટમાં સામેલ થયા નવા મંત્રીઓ

શુક્રવારે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ આજે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. સાથે જ વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે રાજભવનમાં 12.39ના વિજય મુહૂર્તમાં રાજ્યપાલે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા.

નવા મંત્રીઓએ માત્ર શપથ જ લીધા છે. તેમને ખાતાઓની ફાળવણી બાદમાં કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વથી આકર્ષિત થઈને લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં એક કેબિનેટ કક્ષાના મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. તેમને ખાતાઓની ફાળવણી જલ્દીથી કરવામાં આવશે.

ચાવડાને મળ્યું ભાજપમાં જોડાવાનું ઈનામ
વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા. આ સિલસિલો કુંવરજી બાવળિયાથી શરૂ થયો હતો. જે બાદ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન, માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસનો સાથે છોડી કેસરિયો ધારણ કર્યો હતો. આ તમામમાં સૌથી વધુ સફળતા બાવળિયાને મળી હતી. ભાજપમાં જોડતાની સાથે જ તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા હતા અને ભાજપનો આ દાવ સફળ પણ થયો હતો. પેટાચૂંટણીમાં બાવળિયાની જીત થઈ હતી.

બાવળિયા બાદ હવે જવાહર ચાવડાને પણ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાંઆવ્યા છે. કુંવરજી બાવળિયાને તો કોળી સમાજનો સપોર્ટ મળ્યો હતો. હવે જવાહરભાઈને તેમના સમર્થકો અને સમાજનો કેટલો સહયોગ મળે છે તે પણ સવાલ છે.

Vijay Rupani Gujarat BJP Gujarat Congress Nitin Patel