રૂપાલમાં માતાજીની પલ્લીમાં રેકૉર્ડ-બ્રેક ૨૦ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક

05 October, 2014 04:54 AM IST  | 

રૂપાલમાં માતાજીની પલ્લીમાં રેકૉર્ડ-બ્રેક ૨૦ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક










વિશ્વમાં કદાચ પહેલી વાર એક જ રાતમાં કોઈ પણ ધાર્મિક સ્થાનમાં સાડાપાંચ લાખ કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થયો હોવાની અનોખી ઘટના ગુજરાતના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની શુક્રવારે રાત્રે નીકળેલી પલ્લીમાં બની હતી. પાંડવોથી શરૂ થયેલી પરંપરામાં એ વખતે માતાજીની પલ્લીમાં રેકૉર્ડ-બ્રેક ઘીનો અભિષેક થયો હતો.

શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યા પછી ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી રંગેચંગે નીકળી હતી. આ પ્રસંગમાં પલ્લીનાં દર્શન કરવા અંદાજે ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા અને કંઈ કેટલાયે શ્રદ્ધાળુઓની બાધા-આખડી-માનતા પૂરી થતાં તેમ જ ઘણા ભાવિકોએ શ્રદ્ધાથી કુલ મળીને અંદાજે રૂપિયા ૨૦ કરોડથી વધુની રકમનું સાડાપાંચ લાખ કિલો ચોખ્ખું ઘી માતાજીની પલ્લીમાં ચઢાવ્યું હતું. પલ્લી જ્યાંથી પસાર થાય ત્યાં ઘી નીચે પડ્યું હોય તેને વાલ્મીકિ સમાજના નાગરિકો લઈ જાય છે અને ગરમ કરીને ઘી તારવી લે છે.