MNS ભલે કંઈ ન કરે, પણ હવે... રઈસ સામે RSSનો મોરચો

13 December, 2016 03:55 AM IST  | 

MNS ભલે કંઈ ન કરે, પણ હવે... રઈસ સામે RSSનો મોરચો



રશ્મિન શાહ

૨૪ જાન્યુઆરીએ રિલીઝ થતી ‘રઈસ’ને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે રવિવારે શાહરુખ ખાન MNSના રાજ ઠાકરેને મળી આવ્યો, પણ એ પછી પણ વાત પૂરી નથી થવાની. ‘રઈસ’માં પાકિસ્તાની ઍક્ટ્રેસ માહિરા ખાન શાહરુખ ખાનની લીડ સ્ટાર છે. એટલે ફિલ્મની રિલીઝ સમયે MNS દ્વારા કોઈ આકરાં પગલાં ન લેવામાં આવે એ માટે શાહરુખે આ તકેદારી ભલે રાખી, પણ RSS તેના માટે નવી મુશ્કેલી લઈને આવે એવું અત્યારે સ્પષ્ટ દેખાય છે. RSSના કાર્યકર્તાઓ દ્વારા ‘રઈસ’ પર સ્વૈચ્છિક બૅન મૂકવામાં આવે એ પ્રકારના મેસેજ વાઇરલ કરી દેવામાં આવ્યા છે. સંઘના તમામ કાર્યકર્તાઓને વૉટ્સઍપના ગ્રુપથી જોડી રાખવામાં આવ્યા છે. RSSના એક સિનિયર પદાધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાહરુખની ફિલ્મ સામે અમારો કોઈ વિરોધ નથી, પણ આ ફિલ્મ જેની લાઇફ પરથી બની છે એ અબ્દુલ લતીફ સામે અમારો વિરોધ છે. જે દિવસે ફિલ્મનું ટ્રેલર આવ્યું એ જ દિવસે અમે અમારી ઝુંબેશ શરૂ કરી દીધી છે. ગુજરાતની દારૂબંધીનો ગેરલાભ લઈને ગુજરાતના લોકોને નશાની લત લગાડનારા અબ્દુલ લતીફ સામે કોમી રમખાણોમાં ૧૪ કેસ નોંધાયા હતા. આવા માણસને ફિલ્મમાં હીરો બનાવીને રજૂ કરવામાં આવે એ યોગ્ય નથી, આવા લોકોને પ્રેરણાપાત્ર દર્શાવવા એ પણ દેશદ્રોહ જેવો જ ગુનો છે. અત્યારે અમે અમારી ઝુંબેશ શાંતિથી ચલાવીએ છીએ, ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જરૂર પડશે તો અમે ઝુંબેશ ઉગ્ર કરીશું.’


સંઘ જ નહીં, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ માને છે કે આ પ્રકારની વ્યક્તિઓને હીરો બનાવીને ફિલ્મમાં દર્શાવવી ન જોઈએ.

ગુજરાત અને હવે દેશભરમાં આગળ વધી રહેલા આ વિરોધ વિશે પોતે અજાણ હોવાનો દાવો કરતા ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ આ વિષય પર કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.