૨૮૨ કરોડના ખર્ચ છતાં સાબરમતી કેટલી શુદ્ધ?

19 July, 2022 08:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજ્યસભામાં કૉન્ગ્રેસ પક્ષના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે પૂછ્યો પ્રશ્ન, હજી પણ નદી એટલી જ પ્રદૂષિત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૮૨.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં સાબરમતી નદી ખરેખર કેટલી શુદ્ધ થઈ છે એ એક પ્રશ્ન છે.

રાજ્યસભામાં કૉન્ગ્રેસના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લાં ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયાનો સરકારે ખર્ચ કર્યો? આ પ્રશ્નનો જવાબ સરકારે આપ્યો હતો કે  છેલ્લાં ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ મારફતે ૨૮૨.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘હકીકતમાં આટલી મોટી રકમ ખર્ચાયા છતાં સાબરમતી નદીમાં પ્રદૂષણથી ભરપૂર ગંદકી થાય છે. ૨૮૨.૧૭ કરોડ રૂપિયા માત્ર ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે વાપરવામાં આવ્યા તેમ છતાં સાબરમતી નદીનું પાણી સતત પ્રદૂષિત છે તેમ જ અમદાવાદના વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે વર્તમાન શાસન ભ્રષ્ટાચાર કરે છે.’ 

gujarat news gujarat Sabarmati Riverfront