ઘરફોડી કરતાં પહેલાં બાઇક ચોરવાની અને ચોરી કર્યા પછી બાઇક કૂવામાં નાખી દેવાની

03 December, 2012 05:14 AM IST  | 

ઘરફોડી કરતાં પહેલાં બાઇક ચોરવાની અને ચોરી કર્યા પછી બાઇક કૂવામાં નાખી દેવાની




ઘરફોડીના કેસમાં રાજકોટમાંથી પકડાયેલા ચોવીસ વષીર્ય શૈલેશ સેલાવડાની ચોરી કરવાની કાર્ય પદ્ધતિ સાંભળીને ગઈ કાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હેબતાઈ ગયો હતો. બંધ ઘરમાં ચોરી કરવા માટે ઘૂસતાં પહેલાં શૈલેશ લાંબો સમયથી બંધ રહેતાં ઘરની રેકી કરવા નીકળતો અને એ માટે તે બાઇક ચોરતો. બંધ ઘર મળી જાય એટલે શૈલેશ ચોરી કરેલા બાઇક પર જ ચોરી કરવા જતો અને ચોરીમાં બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ ચોરીને ચોરી કરેલા બાઇકમાં ફરાર થઈ જતો. ચોરીનું આ બાઇક એ એકાદ-બે ચોરી સુધી પોતાની સાથે રાખતો અને પછી તેને આ બાઇક ઓળખાય જાય એવી આશંકા જાગે એટલે એ ચોરી કરેલું બાઇક શહેરની બહાર આવેલા કૂવામાં નાખી દેતો. રવિવારે મોડી રાત્રે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારના એક ઘરમાં ચોરી કરતી વખતે મકાનમાલિક આવી જતાં શૈલેશ પકડાઈ ગયો હતો.

પકડાયેલા શૈલેશે બધી ઘરફોડી કબૂલ કર્યા પછી બાઇક ચોરી અને ચોરેલા બાઇકને કૂવામાં નાખી દેવાની વાત કરી ત્યારે પોલીસ હેબતાઈ ગઈ હતી. હેબતાઈ ગયેલી પોલીસને શૈલેશે પહેલાં અમરેલી અને બપોર પછી રાજકોટના બે કૂવામાંથી કુલ સાત બાઇક કાઢીને દેખાડી ત્યારે તો પોલીસની બોલતી સાવ બંધ થઈ ગઈ હતી.