મેડિકલમાં 10 લાખની બોન્ડ પ્રથા હાઇકોર્ટે રદ્દ કરી: વિદ્યાર્થીઓને રાહત

13 April, 2019 04:27 PM IST  | 

મેડિકલમાં 10 લાખની બોન્ડ પ્રથા હાઇકોર્ટે રદ્દ કરી: વિદ્યાર્થીઓને રાહત

10 લાખની બોન્ડ પ્રથા હાઇકોર્ટે રદ્દ કરી

ચૂંટણી પહેલા PG મેડિકલના વિધાર્થીઓ પાસે 10 લાખ રુપિયાના લેવાતા બોન્ડની પ્રથા ગુજરાત હાઈકોર્ટ દ્વાર રદ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા આ બોન્ડ લેવાની પ્રથાને ગેરબંધારણીય અને ગેરવાજબી ગણાવતા તેને રદ્દ કરી છે. આ બોન્ડ અનુસાર કોઈ પણ PG મેડિકલ વિદ્યાર્થીને પાસ થયા પછી ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત સેવા આપવી પડે છે જો આ નિયમનો ભંગ થાય તો વિદ્યાર્થીને સરકારને 10 લાખ રુપિયા જમા કરાવવાના હતા. ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ જબરદસ્તી ગ્રામીણ વિસ્તારોમાં જવુ પડે નહી તો 10 લાખ રુપિયા જમા કરાવવા પડતા હતા.

સરકાર કોઇ પણ રીતે વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ ન લઇ શકે : હાઇકોર્ટ

છેલ્લા કેટલાક સમયથી આ નિર્ણય સામે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા આ અરજી માન્ય રાખીને તેની પર સુનાવણી કરતા આજે આ પ્રથાને રદ્દ કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ ન લઈ શકે જેને કારણે તેને રદબાતલ કરવામાં આવે છે. બોન્ડનો આ નિયમ મેરિટમાં ઉપર સ્થાન મેળવી સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જ લાગુ પડતો હતો.

સરકારે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની અછતને જોતા આ નિયમ બનાવ્યો હતો

ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની અછતને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બોન્ડનો નિયમ જાહેર કરાયો હતો. જેમા દરેક પાસ આઉટ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોની સેવા કરવાનો રહેતી હતી. સરકારનું માનવું છે કે સરકાર દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરે છે તેમ છતા ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની અછત જોવા મળે છે જેને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: રાજકોટના બિલ્ડરનો પુત્ર મુંબઈથી પાછા ફરતા સમયે ભેદી રીતે ગુમ

 

હાઈકોર્ટ દ્વારા ગામડાઓમાં ડોક્ટરોની અછતને એક ગંભીર પ્રશ્ન માનવામાં આવ્યો હતો અને તેને લઈને કાયદાકિય નિયમ બનાવવા જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા 10 લાખના બોન્ડની પ્રથાને નાબૂદ કરી છે જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ જે મહેનત કરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.