ગાંધીનગર પાસે રફતારનો આતંક, બેનાં મોત

27 July, 2025 06:53 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

રાંદેસણ વિસ્તારમાં હિતેશ પટેલે બેફામ કાર ચલાવીને વાહનોને અડફેટે લઈને રમકડાંની જેમ ફંગોળ્યાં, લોકોએ તેને ધોઈ નાખ્યો, પોલીસે કરી ધરપકડ

ગાંધીનગર પાસે રફતારનો આતંક, બેનાં મોત

ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે ગઈ કાલે સવારે રફતારનો આતંક જોવા મળ્યો હતો, જેમાં રાંદેસણ વિસ્તારમાં હિતેશ પટેલે બેફામ કાર હંકારીને એક પછી એક વાહનોને અડફેટે લેતાં એક મહિલા સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. બેફામ ડ્રાઇવિંગ કરનારને લોકોએ પકડીને ધોઈ નાખ્યો હતો અને પોલીસને હવાલે કરતાં તેની ધરપકડ કરી હતી.

ગાંધીનગર પાસે મૂળ પોર ગામનો હિતેશ પટેલ ફુલ સ્પીડમાં કાર લઈને રાંદેસણ વિસ્તારમાંથી નીકળ્યો હતો. સર્વિસ રોડ પર બેફામ રીતે કાર હંકારતાં કેટલાંય વાહનોને અને માણસોને તેણે અડફેટે લીધાં હતાં, જેના પગલે આ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. અકસ્માતોની વણઝારને કારણે આ કાર જ્યારે અટકી ગઈ ત્યારે આક્રોશને પગલે લોકોએ કારચાલક હિતેશ પટેલને ઘેરી લઈને આવેશમાં આવી જઈને મેથીપાક ચખાડ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે તે ડ્રિન્ક કરીને કાર ચલાવતો હતો. જોકે પોલીસ આવી જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કારચાલકના બેફામ ડ્રાઇવિંગને કારણે નોકરીએ જતાં હંસા વાઘેલા તેમ જ ગાયને રોટલી નાખવા અને ચકલાંને ચણ નાખવા ગયેલા નીતિન વસા અડફેટે આવી જતાં તેમનાં  મૃત્યુ થયાં હતાં.

gandhinagar road accident gujarat gujarat news crime news news