કઈ વાતે વિજય રૂપાણીની મનની મનમાં રહી ગઈ?

01 April, 2019 08:06 AM IST  |  જામનગર | રશ્મિન શાહ

કઈ વાતે વિજય રૂપાણીની મનની મનમાં રહી ગઈ?

વિજય રૂપાણી

થોડા સમય પહેલાં કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને લોકસભાનું ઇલેક્શન લડવાની ગુજરાત હાઈ કોર્ટે મનાઈ ફરમાવી દેતાં ઇલેક્શન ન લડવાનો જેટલો અફસોસ હાર્દિકને થઈ રહ્યો છે એના કરતાં પણ વધારે અફસોસ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને થઈ રહ્યો છે. એવું પણ કહી શકાય કે હાર્દિકને હરાવવાની તીવ્ર ઇચ્છા ધરાવતા વિજય રૂપાણીની આ ઇચ્છા હાઈ કોર્ટના નિર્ણયને કારણે મનની મનમાં રહી ગઈ. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘હું તો ઇચ્છતો હતો કે તે ઇલેક્શન લડે. ઇલેક્શન લડે તો તેને અને તેની સાથે જે બે-ચાર લોકો છે એ બધાને ખબર પડે કે પાટીદારો કોની સાથે છે અને પાટીદારો તેના માટે શું માને છે. અરે ભાઈ, ડિપોઝિટ બચાવવા માટે તેણે ફાંફાં મારવા પડ્યાં હોત ને પછી કોઈને મોઢું દેખાડવાને લાયક રહ્યો ન હોત; પણ હશે, કોર્ટના ચુકાદાએ તેને બચાવી લીધો’

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી : અમિત શાહ પાસે નથી એક પણ કાર, કુલ સંપત્તિ 38.81 કરોડની

હાર્દિક પટેલ જામનગરમાંથી ઇલેક્શન લડવા માગતો હતો અને એ માટેની તમામ તૈયારીઓ પણ તેના પક્ષેથી થઈ ગઈ હતી તો સામા પક્ષે વિજય રૂપાણીના કહેવા મુજબ તેમણે પણ બધી તૈયારીઓ કરી લીધી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘વિરોધ જોઈને તેણે ભાગવું પડ્યું એ જ દેખાડતું હતું કે હાર્દિકને ત્રણ આંકડામાં પણ મત નહીં મળે. બચી ગયો, નસીબદાર હતો. જો ઇલેક્શન લડ્યો હોત તો એવી હાલત થઈ હોત કે તે ગુજરાત છોડી દેત.’

Vijay Rupani gujarat hardik patel Lok Sabha Election 2019