ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક ભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન

28 July, 2020 07:07 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક ભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન

રમણીક ભાઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક ભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન થયું છે. રમણીક ભાઈના સોમવારે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રમણીક ભાઈના નિધનના સમાચાર સાંભળીને અંબાણી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીક ભાઈ વયોવૃદ્ધ હોવાના કારણે નિધન થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે. રમણીકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા. રમણીક ભાઈની દીકરી ઈલાના લગ્ન ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે થયા છે.

1924માં હીરાચંદ અને જમુનાબેન અંબાણીના ઘરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ત્રણેય ભાઈઓમાંથી સૌથી મોટા હતા. એમના બે ભાઈ ધીરૂભાઈ અંબાણી અને નટુભાઈ અંબાણી અને બે બેન ત્રિલોચનબેન અને જસુમતિ બેન હતા.

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની દેશમાં ટોચમાં સ્થાને છે. તેથી આ પરિવાર પણ દેશની સૌથી ધનિક પરિવારમાં ગણના થાય છે. અંબાણી પરિવારના મુખ્યા રહેલા દિવંગત ધીરૂભાઈ અંબાણીના બે પુત્ર અનિલ અંબાણી અને મુકેશ અંબાણી કારોબાર સંભાળી રહ્યા છે.

mukesh ambani anil ambani ahmedabad reliance