ગુજરાતના ઇલેક્શનમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરશે બાબા રામદેવ

02 September, 2012 03:25 AM IST  | 

ગુજરાતના ઇલેક્શનમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરશે બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ આવનારા દિવસોમાં કૉન્ગ્રેસ માટે ભારે પડી શકે એમ છે. ગઈ કાલે નવી દિલ્હીમાં તેમણે બીજી ઑક્ટોબરથી કૉન્ગ્રેસ સામે નવેસરથી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. બાબાએ કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બીજી ઑક્ટોબરથી શરૂ થનારું આંદોલન લોકસભાની આગામી ચૂંટણી સુધી ચાલતું રહેશે.

યોગગુરુએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ દ્વારા તેમને પરેશાન કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેઓ સિસ્ટમમાં પરિવર્તન લાવવાની પોતાની લડાઈ પડતી નહીં મૂકે. બાબાના આંદોલનનું સ્થળ હજી ફાઇનલ નથી થયું, પણ તેમણે સંકેત આપ્યો હતો કે હિમાચલ પ્રદેશથી તેઓ આંદોલનની શરૂઆત કરશે. એક સર્વેમાં બાબા રામદેવ કરતાં અણ્ણા હઝારેની ટીમ વધુ લોકપ્રિય હોવાના તારણ વિશે જ્યારે બાબાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ બધા સર્વે વિદેશી એજન્સીઓ દ્વારા થયેલા છે. કોલસાકૌભાંડના મુદ્દે બાબા ક્યારેય બીજેપીને કેમ ટાર્ગેટ નથી બનાવતા એના જવાબમાં રામદેવે કહ્યું હતું કે અનેક પાર્ટીઓ આ કૌભાંડમાં સંડોવાયેલી છે, પણ સત્તામાં કૉન્ગ્રેસ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી