ધનતેરસના દિવસે રામ-દહન!

12 November, 2012 03:40 AM IST  | 

ધનતેરસના દિવસે રામ-દહન!

રામ જેઠમલાણીના વિધાનના વિરોધમાં ગઈ કાલે ગુજરાતમાં કેશુભાઈ પટેલની જીપીપીએ દરેક તાલુકામાં એટલે કે ગુજરાતના ૨૨૫ તાલુકામાં રામ જેઠમલાનીનું પૂતળાંદહન કર્યું હતું તો ગઈ કાલે જ જૂનાગઢના સાધુ સમાજે પણ રામ જેઠમલાનીની તુલના રાવણ સાથે કરીને જેઠમલાણીનું પૂતળુ સળગાવ્યું હતું. જીપીપીના પ્રેસિડન્ટ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈએ કહ્યું હતું કે ‘જેઠમલાણીના બાપુજી રામમાં શ્રદ્ધા ધરાવતા હશે એટલે જે તેનું નામ રામ પાડ્યું હશે. રામ જેઠમલાણીએ રામ ભગવાન ઉપરાંત તેના બાપુજીની શ્રદ્ધાનું પણ અપમાન કર્યું છે. જો રામ સારા પતિ ન હોય તો જેઠમલાની આજે ઊઘડતી ર્કોટમાં જઈને પોતાનું નામ બદલીને રાવણ કરી નાખે, નામ બદલવાનો જે ખર્ચ થશે એ ગુજરાત પરિવર્તન પાર્ટી ઉપાડશે.’

જૂનાગઢમાં આવેલા ભારતીય સાધુ સમાજે રામ જેઠમલાણી માફી માગે એવી ડિમાન્ડ કરતાં કહ્યું છે કે જો તે પોતાના શબ્દો પાછા નહીં ખેંચે તો દેવદિવાળીના દિવસે સાધુ સમાજ મોરચો લઈને જેઠમલાણીના ઘરે જઈને ધરણાં કરશે.