જામનગરમાં ફટાકડા નહીં ફોડવાના મેસેજ સાથે જૈન બાળકોએ કાઢી રૅલી

12 November, 2012 05:32 AM IST  | 

જામનગરમાં ફટાકડા નહીં ફોડવાના મેસેજ સાથે જૈન બાળકોએ કાઢી રૅલી

જામનગરના શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં સામેલ થતાં અઢારસો જેટલાં બાળકોએ આજીવન ફટાકડા નહીં ફોડવાની માનતા લીધી છે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના જૉઇન્ટ સેક્રેટરી હર્ષદભાઈ દેસાઈએ કહ્યું હતું કે ‘ફટાકડા ફોડવાથી અસંખ્ય જીવજંતુઓનાં મોત થતાં હોવાથી અમારાં બાળકોએ આજીવન ફટાકડા નહીં ફોડવાની બાધા લીધી છે. એટલું જ નહીં, આ બાળકોએ બીજાં બાળકોને પણ ફટાકડા નહીં ફોડવાનું સમજાવવાનું પણ પ્રણ લીધું છે.’

ગઈ કાલે સંઘનાં બાળકોએ જામનગરમાં રૅલી પણ કાઢી હતી અને જામનગરના કલેક્ટરને પણ મળ્યાં હતાં અને જામનગરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. નાનાં બચ્ચાંઓની આ ડિમાન્ડ તો કલેક્ટર પૂરી કરી શકે એમ નહોતા, પણ કલેક્ટર નલિન ઉપાધ્યાયે આ બાળકોને એટલું પ્રૉમિસ ચોક્કસ કર્યું હતું કે તે આજીવન ફટાકડા ક્યારેય નહીં ફોડે અને ફટાકડા નહીં ફોડવા માટે કલેક્ટર ઑફિસના સ્ટાફને પણ સમજાવશે.