શરાબ સપ્લાયનો અજોડ નુસખો

31 October, 2011 08:16 PM IST  | 

શરાબ સપ્લાયનો અજોડ નુસખો



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૩૧

વૅનની આગળ-પાછળ અંગ્રેજીમાં લખેલું હોય ઍમ્બ્યુલન્સ, વૅનની ઉપર બ્લુ લાઇટ હોય અને જોરજોરથી સાઇરન વાગતી હોય. પોલીસ પણ દારૂ ભરેલી આ વૅનને સાચી ઍમ્બ્યુલન્સ માનીને રોકવાને બદલે ઍમ્બ્યુલન્સમાં ઇમર્જન્સીવાળો પેશન્ટ છે એવું ધારીને ઍમ્બ્યુલન્સને રસ્તો ખાલી કરી આપતી હતી. રાજકોટની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર એચ. આર. ભાદુએ કહ્યું હતું કે ‘દિવાળીના આ તહેવારમાં એક જ ઍમ્બ્યુલન્સ છ જગ્યાએ જોવા મળી એટલે શંકા ગઈ અને આ શંકાને આધારે તપાસ કરતાં એમાંથી દારૂની ૧૪ પેટી મળી આવી હતી. ઍમ્બ્યુલન્સનું ચેકિંગ ન થાય એ માટે દારૂ સપ્લાય કરનારાઓ પોતાના એક સાથીને અંદર પેશન્ટ તરીકે પણ સુવડાવી રાખતા હતા અને આ પેશન્ટને અલગ-અલગ વાયરો ફિટ કરીને એવું નાટક ઊભું કરતા હતા કે પેશન્ટ સિરિયસ છે.’

કાન્તિ પટેલે પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે તે આ રીતે ઍમ્બ્યુલન્સ થ્રુ છેલ્લા ત્રણ મહિનાથી દારૂની સપ્લાય કરી રહ્યો હતો. દારૂની આ સપ્લાયમાં સેંકડો પ્રસંગો એવા બન્યા હતા જેમાં પોલીસે સામેથી ઍમ્બ્યુલન્સને જવા માટે રસ્તા પરનો ટ્રાફિક હટાવી આપ્યો હોય.