જોઈતો નંબર મળ્યો નહીં એટલે પોતાની જ બાઇક સળગાવી દીધી

29 September, 2012 06:33 AM IST  | 

જોઈતો નંબર મળ્યો નહીં એટલે પોતાની જ બાઇક સળગાવી દીધી



આમ જોઈએ તો ૩૬૧૦ નંબરમાં કંઈ સ્પેશ્યલિટી નથી અને એમ છતાં આ નંબર ન મળતાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા ચોવીસ વર્ષના વિશાલ મહેતાને પોતાના બાઇકમાં આ નંબર ન મળતાં તેણે અપસેટ થઈને પોતાની ૫૪,૬૫૦ રૂપિયાની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ નામની બાઇક પોતાને હાથે જ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી.

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે છેલ્લા એક દસકાથી નિયમ કર્યો છે કે જે કોઈને પોતાનો ફેવરિટ નંબર જોઈતો હોય તેણે એ નંબર મેળવવા માટે ઍડ્વાન્સમાં આરટીઓમાં પૈસા ભરવા. નવી સિરીઝ શરૂ થાય એટલે જે કોઈએ નંબર માટે વધુ પૈસા ભર્યા હોય તેને એ નંબર અલૉટ કરવામાં આવે. વિશાલે પણ પોતાની બાઇકના ૩૬૧૦ નંબર માટે ગયા મહિને ૧૦૦૦ રૂપિયા ભરી દીધા હતા, પણ સોમવારે જ્યારે ટેન્ડર ખૂલ્યું ત્યારે આ નંબર માટે જેણે ૧૧૦૦ રૂપિયા ભર્યા હતા તેને નંબર ફાળવી દેવામાં આવ્યો. ખાલી સો રૂપિયા માટે વિશાલને નંબર ન મળતાં તેનું મન તૂટી ગયું અને આરટીઓ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પોતાના હાથે પોતાની બાઇકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ૩૬૧૦ નંબર માટે ૫૪,૬૫૦ રૂપિયાની બાઇક શું કામ સળગાવી દીધી એ કારણ જાણવા જેવું છે. વિશાલે કહ્યું હતું કે ‘૩-૬-૨૦૧૦ના દિવસે હું મારી ગર્લફ્રેન્ડને પહેલી વાર મળ્યો હતો. એ દિવસ મારી લાઇફનો સૌથી યાદગાર દિવસ હોવાથી મારે મારી બાઇકનો નંબર ૩૬૧૦ લેવો હતો.’

ગર્લફ્રેન્ડને મળ્યાંના દિવસને પોતાની કાયમી યાદી તરીકે રાખી ન શકવાનું દુ:ખ લાગતાં વિશાલે અડધા લાખ રૂપિયાની ખોટ ખાવાનું નક્કી કર્યું અને પછી એ વિચાર અમલમાં પણ મૂકી દીધો.

આરટીઓ = રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ