સૌરાષ્ટ્રના હાઇવે પર છવાયું મગરોનું રાજ

16 May, 2019 08:44 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

સૌરાષ્ટ્રના હાઇવે પર છવાયું મગરોનું રાજ

સૌરાષ્ટ્રના છ હાઇવે પર મગર રસ્તા પર આવી ગયા

પાણીની અછતના કારણે સૌરાષ્ટ્રની નદીઓ સુકાઈ જતાં મગરોની સૌથી ખરાબ હાલત થઈ ગઈ છે. પાણી નહીં હોવાના કારણે ભટકતા મગરો હવે હાઇવે પર આવવા માંડ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં હાઇવે પર મગર આવ્યા હોય એવા છૂટાછવાયા બનાવો બન્યા હતા પણ ગઈ કાલે એક જ દિવસમાં સૌરાષ્ટ્રના છ હાઇવે પર મગર રસ્તા પર આવી ગયા હતા, જેને લીધે દેકારો બોલી ગયો હતો અને હાઇવે પરથી પસાર થતાં વાહન-વ્યવહાર પર પણ એની અસર જોવા મળી હતી. અમરેલી-ધારી હાઇવે, લીંબડી-કુવાડવા હાઇવે, તુલસીશ્યામ-તાલાળા હાઇવે, ગીર-જૂનાગઢ હાઇવે, ભાવનગર-ગારિયાધર હાઇવે અને પડધરી-ધ્રોલ હાઇવે પર મગર બહાર આવ્યા હતા. જૂનાગઢના ડેપ્યુટી ફોરેસ્ટ ઓફીસર પી. કે. વાઘેલાએ કહ્યું હતું, પાણીના પ્રશ્નને કારણે જ્યારે નદીઓ ડેડએન્ડ પર આવે ત્યારે આવા મોટા જળચર પ્રાણીઓ બહાર આવી જાય, અગાઉ પણ ઉનાળામાં આવું બન્યું છે પણ આ વખતે પાણીનો પ્રશ્ન વિકટ હોવાન કારણે આવી ઘટના વધારે બને છે.

આ પણ વાંચો : પાણીનો શિકાર: ગીર સેન્ચુરીમાં 14 સાવજો એકસાથે પાણી માટે સરકારી ટાંકીએ પહોંચ્યા

બહાર આવેલો મગર પણ પુખ્ત વયનો હતો. અમરેલી-ધારી હાઇવે પર બહાર આવેલો મગર સૌથી લાંબો હતો. દસ ફૂટની લંબાઈ ધરાવતા આ મગરને પકડવા માટે લગભગ અઢી કલાકની જહેમત ઉઠાવવી પડી હતી. પકડાયેલા આ તમામ મગરોને નજીકના જળાશયોમાં છોડવામાં આવ્યા હતા. જોકે પાણીનો પ્રશ્ન હોવાથી આ મગર ફરી વખત બહાર આવી જાય એવી શક્યતા હોવાથી, જો બીજી વખત આ મગર બહાર આવે તો એને ઝૂમાં મોકલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

rajkot saurashtra gujarat Rashmin Shah