વાયુ વાવાઝોડાને કારણે રાજકોટ માર્કેટ યાર્ડમાં એલર્ટ જાહેર કરાયું

11 June, 2019 02:15 PM IST  |  રાજકોટ

વાયુ વાવાઝોડાને કારણે રાજકોટ માર્કેટ યાર્ડમાં એલર્ટ જાહેર કરાયું

રાજકોટ માર્કેટ યાર્ડ, બેડી

વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર સાબદુ થઇ ગયું છે. ત્યારે આજે સવારે રાજકોટ, પડધરી અને લોધીકા સહિતના ત્રણ તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોને ગ્રાઉન્ડમાં માલ રાખવાના બદલે પ્લેટફોર્મની અંદર અથવા તો શેડની અંદર જ ઉતારવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત દુકાનદાર વેપારીઓ અને ગોડાઉન ધારકોને પણ સાવચેત રહેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

વેપારીઓને માલ શેડની અંદર રાખવા માર્કેટ યાર્ડના સેક્રેટરી તેજાણીની અપીલ
બેડી માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે, અનાજ વિભાગ અને શાકભાજી વિભાગ તેમજ ડુંગળી-બટેટા વિભાગ સહિતના તમામ વિભાગમાં ખેડૂતોને પ્લેટફોર્મ અને શેડની અંદર માલ ઉતારવા તેમજ દુકાનદાર વેપારીઓને પણ ખુલ્લામાં માલ નહી રાખવા અપીલ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહી હોય ખેડૂતો કે વેપારીઓને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

રાજકોટની સ્કુલોમાં રજા જાહેર કરાઇ
સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠેથી માત્ર 700 કિલોમીટર જેટલું જ દૂર રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગોને એલર્ટ પર મૂકી દીધા છે. રાજ્યના દરિયા કાંઠે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. રાજકોટમાં 13 જૂનના રોજ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સલામતીના ભાગ રૂપે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે 13 જૂનના રોજ શાળા અને કોલેજો બંધ રાખવા આદેશ કર્યો છે.

મુખ્ય સચિવે બોલાવી બેઠક
રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિને જોતા બપોરે બેઠક બોલાવી છે. રાજ્યના મુખ્ય સચિવ સાથે તમામ વિભાગના સચિવો બેઠક કરશે અને સ્થિતિનો તાગ મેળવશે. સાથે તેની સાથે લડવાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

rajkot gujarat