ગીર આખલાનું સીમન જશે અમેરિકા કરશે જર્સી ગાયને ગર્ભવતી

23 October, 2019 10:17 AM IST  |  રાજકોટ

ગીર આખલાનું સીમન જશે અમેરિકા કરશે જર્સી ગાયને ગર્ભવતી

ગાય

થોડા સમય પહેલાં બ્રાઝિલના આખલાનું સીમન લાવીને એના દ્વારા ભારતીય ગાયનું ગર્ભાધાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ભરપૂર વિરોધ થયો અને અંતે કેન્દ્ર સરકારે એ વિચારને પડતો મૂક્યો. હવે ફરી એક વખત સીમનનો જ વિષય બહાર આવ્યો છે, પણ આ વખતે ભારતીયોએ અને ખાસ તો ગુજરાતે કૉલર ટાઇટ કરવા પડે એવું પગલું રાષ્ટ્રીય કામધેનુ આયોગે લીધું છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટ કાઉન્સિલ સાથે કરાર થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ગીર આખલાનું સીમન અમેરિકા મોકલવામાં આવશે અને એ સીમનની મદદથી જર્સી ગાયનું ગર્ભાધાન કરીને એ ગાયની દૂધ ઉત્પાદન ક્ષમતા અને દૂધની ગુણવત્તાને ઊંચી લાવવામાં આવશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચૅરમૅન વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું હતું કે ‘આને લીધે જર્સી ગાયની થર્ડ જનરેશન પછીની ગાયો ગીર ગાયના સ્તર પર આવશે, જેનો સીધો લાભ ગાયના માલધારીઓને થશે. અત્યારે ગાયના દૂધ માટે લોકોને સમજાવવા પડે છે, એનું માર્કેટિંગ પણ કરવું પડે છે, પરંતુ અમેરિકામાં ગાયના દૂધનું મૂલ્ય અને ગુણવત્તામાં વધારો થશે તો એનો લાભ આપણા દેશને થશે અને આપણે ત્યાં પણ ગાય આધારિત અર્થતંત્રને વેગ મળશે.’

ગીર આખલાના સીમેન માટે ક્વૉલિટી મુજબ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે જે ૫૦૦ ડૉલરથી ૧૨૦૦ ડૉલર જેટલી છે. થર્ડ જનરેશન સુધીમાં આ પ્રાઇસ ૫૦૦૦ ડૉલર સુધી પહોંચે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચો : રાજ્ય ડેન્ગીના ભરડામાં: સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં નોંધાયા

ગીર ગાય અને જર્સી ગાય વચ્ચે શું ફરક છે?

જર્સી ગાય પાંચથી છ વર્ષ સુધી દૂધ આપે છે અને એ દૂધ A-1 ક્વૉલિટીનું હોય છે. ‌એક જર્સી ગાય અંદાજે ૭થી ૮ લીટર દૂધ આપતી હોય છે. જર્સીની સરખામણીએ ગીર ગાયની દૂધ આપવાની આવરદા ૧૫થી ૧૬ વર્ષની છે, જ્યારે દૂધની ક્વૉલિટી સર્વોચ્ચ એટલે કે A-2 સ્તરની હોય છે. એક જાતવાન ગીર ગાય દિવસમાં ૧૫થી ૧૭ લીટર જેટલું દૂધ આપે છે.

rajkot gujarat