29 May, 2024 06:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ધવલ ભરત ઠક્કર
રાજકોટ અગ્નિકાંડની ઘટનાની પ્રાથમિક તપાસ બાદ ગઈ કાલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના સભ્યોએ ગુજરાત સરકારને પ્રાથમિક રિપોર્ટ સુપરત કર્યો છે અને આજે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે SITના સભ્યોની બેઠક મળશે એવી વિગતો જાણવા મળી છે.
રાજકોટ ગેમ-ઝોનમાં લાગેલી આગમાં બળીને ભડથું થઈ ગયેલા ૨૮ નિર્દોષ નાગરિકોમાંથી ગઈ કાલે સાંજ સુધીમાં જીવ ગુમાવનારી ૨૪ વ્યક્તિના ડીએનએ મૅચ થયા છે. પરિવારજનોને તેમના સ્વજનના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા જાહેરમાં દેખાયા હતા અને રાજકોટ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી એ સમયે પીડિતોના પરિવારજનોએ તેમની સમક્ષ પ્રશ્ન ઉઠાવીને રોષ ઠાલવ્યો હતો.
પરષોત્તમ રૂપાલાએ મીડિયાને કહ્યું હતું કે ‘હું અહીં બીજા દિવસે સવારે આઠ વાગ્યાનો છું. આ સ્થળે હું નહોતો આવ્યો એ વાત સાચી છે. તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોઑર્ડિનેટ કરતો હતો. મુખ્ય પ્રધાન પોતે આમાં ઇન્વૉલ્વ થયા છે અને અત્યારે તેમની ઑફિસ દ્વારા ડે-ટુ-ડે મૉનિટરિંગ થઈ રહ્યું છે. એ જોતાં મને લાગે છે કે આમાં દાખલો બેસે એવી કાર્યવાહી અવશ્ય થશે.’
રાજકોટ ગેમ-ઝોન અગ્નિકાંડમાં પોલીસે FIR નોંધી છે એમાં સૌપ્રથમ જેનું નામ છે તે ધવલ કૉર્પોરેશનના પ્રૉપરાઇટર ધવલ ભરત ઠક્કરને બનાસકાંઠા પોલીસે આબુ રોડ પરથી સંબંધીના ઘરે છુપાયો હતો ત્યાંથી ઝડપી લીધો હતો. આ ઉપરાંત ગેમ-ઝોનમાં વેલ્ડિંગ કામ કરનારા મહેશ રાઠોડને પણ ઝડપી લેવામાં આવ્યો છે. કહેવાય છે કે મહેશ રાઠોડ પણ દાઝી ગયો હતો અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.