રાજકોટઃ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મુહૂર્ત જોઈને મર્ડર

04 June, 2019 08:40 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટઃ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મુહૂર્ત જોઈને મર્ડર

સાંભળતાં અરેરાટી છૂટી જાય એવી એક ઘટના ગઈ કાલે રાજકોટમાં લાઇમલાઇટમાં આવી હતી. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ-મૅનેજર તરીકે જૉબ કરતો ૨૮ વર્ષનો વ્રજેશ જોષી નામનો યુવક ૨૦૧૭ની ૨૪ એપ્રિલે ગુમ થઈ ગયો હતો. વ્રજેશનાં મમ્મી-પપ્પા બન્ને દિવ્યાંગ છે અને તેમને એક દીકરી છે, જેનાં મૅરેજ થઈ ગયાં છે. વ્રજેશ તેનાં મમ્મી-પપ્પાનો એકમાત્ર અંતિમ સહારો હતો. ગઈ કાલે ખબર પડ્યા મુજબ વ્રજેશની બે વર્ષ પહેલાં તે ગુમ થયો એના બીજા દિવસે રાજકોટના એક ફૅક્ટરી-ઓનરે તેના ત્રણ સાથીઓ સાથે મળીને હત્યા કરી હતી. બન્યું હતું એવું કે વ્રજેશ જે કંપનીમાં નોકરી કરતો હતો એ કાસ્ટિંગ કંપનીમાં પચીસ લાખ રૂપિયાનો હિસાબ નહોતો મળતો. એ માટે કંપનીના માલિક પ્રકાશ પીપળિયા અને અન્ય ભાગીદારોએ જ્યોતિષને પૂછયુ ત્યારે જ્યોતિષીએ વ્રજેશ પર શંકા કરી, એટલે વ્રજેશનું અપહરણ કરવામાં આવ્યું. વ્રજેશે સાચું સ્વીકાર્યું નહીં એટલે જ્યોતિષીની સલાહ મુજબ તેની હત્યા કરવામાં આવી. કેસના ઇન્ક્વાયરી-ઑફિસર કે. ડી. સરવૈયાએ કહ્યું કે ‘જ્યોતિષીએ કહ્યું હતું કે વ્રજેશનું મર્ડર કરવામાં આવશે તો જ ફૅક્ટરીમાં ફરીથી તેજી આવશે એટલે બધાએ ભેગા મળીને તેને ઢોરમાર માર્યો જેમાં વ્રજેશ માયોર્ ગયો.

વ્રજેશની હત્યા પછી તેનો મૃતદેહ ચોટીલા પાસે ફેંકી દેવામાં આવ્યો અને ચોટીલા પોલીસે એ મૃતદેહ બિનવારસી ગણાવીને એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ઘટના તો ઘટી ગઈ, પણ હવે ફૅક્ટરીના ઓનરને દિવસ-રાત વ્રજેશ દેખાતો. ફરીથી એ લોકો પેલા જ્યોતિષ પાસે ગયા. આ વખતે જ્યોતિષીએ સલાહ આપી કે અપરિણીતની હત્યા થઈ છે એટલે ઉત્તરક્રિયા તો કરવી જ પડશે, પણ એમાં તેનાં માબાપ પણ હાજર હોવાં જોઈશે.

મનની શાંતિ માટે પ્રકાશ પીપળિયા અને તેના પાર્ટનરો વ્રજેશનાં મમ્મી-પપ્પાને લઈને હરિદ્વાર ગયા અને ત્યાં પ્રકાશની બધી વિધિઓ પૂરી કરી. એ સમયે જ્યારે તેનાં મમ્મી-પપ્પાએ પૂછ્યુ ત્યારે એવું બહાનું કાઢ્યું કે વ્રજેશ જલદી મળી જાય એ માટેની આ વિધિ છે.

વ્રજેશની હત્યામાં જોડાયેલા ચારેય હત્યારાઓને પકડી પાડવામાં આવ્યા છે. એ ચારેય જણને આવી ઘાતકી સલાહ આપનારા જ્યોતિષીની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ પતિની હત્યા કરીને કપાયેલું માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચી મહિલા

ઘટના બહાર કઈ રીતે આવી?

બે વર્ષથી દીકરાની રાહ જોતાં વ્રજેશનાં મમ્મી-પપ્પાને નનામો પત્ર મળ્યો, જેમાં જાણ કરવામાં આવી હતી કે તેના દીકરાનું મર્ડર થયું છે અને લાશના પુરાવા ચોટીલા પોલીસ-સ્ટેશનમાં છે. તપાસ કરતાં વ્રજેશનાં કપડાં, શૂઝ, તેનું વૉલેટ અને બીજા પુરાવા મળ્યા. આમ આ કેસ ફરીથી ઓપન થયો અને હત્યારાઓનો ભાંડો ફૂટ્યો.

gujarat news rajkot Crime News