ક્યારેક માફિયાઓનો રાઇટ હૅન્ડ રહી ચૂકેલો ભોગીલાલ દરજી દુબઈમાં ભીખ માગતો હતો

09 September, 2012 05:52 AM IST  | 

ક્યારેક માફિયાઓનો રાઇટ હૅન્ડ રહી ચૂકેલો ભોગીલાલ દરજી દુબઈમાં ભીખ માગતો હતો



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૯

રાજકોટના જાણીતા શિલ્પા જ્વેલર્સના માલિકના દીકરા ભાસ્કર પારેખ અને અપોલો રબર્સવાળા અનિલ પટેલના કિડનૅપકેસમાં પકડાયેલા મૂળ મહેસાણાના, પણ છેલ્લા ત્રણ દસકાથી દુબઈમાં સેટલ થયેલા ભોગીલાલ દરજીએ ગઈ કાલે રાજકોટમાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી તે મસ્જિદની બહાર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર વી. બી. જાડેજાએ કહ્યું હતું કે ‘ભોગીલાલ ગુજરાતી હોવાથી દાઉદથી છૂટી પડેલી ફઝલ રહેમાનની ગૅન્ગ ભોગીલાલ પાસેથી ગુજરાત અને મુંબઈના પૈસાદાર ગુજરાતીઓની ટિપ લઈને એ ફૅમિલીના નબીરાઓને કિડનૅપ કરવાનું કામ કરતી હતી. અમારા રેકૉર્ડ મુજબ ફઝલુની ગૅન્ગને ભોગીલાલે આપેલી આઠ ટિપ પરથી આઠ કિડનૅપ થયાં હતાં, જેમાં આ ગૅન્ગે વીસ કરોડથી વધુની ખંડણી લીધી હતી.’

દુબઈમાં અન્ડરવર્લ્ડનું રાજ પૂરું થયા પછી ધીમે-ધીમે બધા શિફ્ટ થઈ જતાં ભોગીલાલ જેવા કેટલાય વચેટિયા રખડી પડ્યા હતા. ભોગીલાલ દરજીએ જે કોઈ પ્રૉપર્ટી અને દિરહામ બચાવ્યા હતા એ બધું દુબઈ પોલીસે જપ્ત કરી લીધું હતું. પાંચ વર્ષ સાવ કંગાળ હાલતમાં રહ્યા પછી ભોગીલાલે સામેથી ઇન્ડિયન એમ્બેસીનો કૉન્ટૅક્ટ કર્યો હતો અને ભારત સરકાર પાસે સરેન્ડર કરી લીધું હતું. ભોગીલાલને ગુરુવારે દુબઈથી દિલ્હી લાવવામાં આવ્યો અને દિલ્હીમાં સીબીઆઇ પાસેથી તેનો કબજો લઈને ગઈ કાલે સવારે રાજકોટ પોલીસ તેને રાજકોટ લાવી હતી. ભોગીલાલ દરજીને સોમવારે ર્કોટમાં રજૂ કરવામાં આવશે. ભોગીલાલના કબજા માટે અત્યારે સીબીઆઇ પાસે અમદાવાદ, મહેસાણા, સુરત, વડોદરા, મુંબઈ, દિલ્હી, ઔરંગાબાદ અને અમૃતસર પોલીસે કબજો માગ્યો છે.

ભોગીલાલ દરજીના નામે આઠ કિડનૅપિંગ કેસ જોડાયેલા છે.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન