રાજકોટ : હૉસ્પિટલમાં જગ્યા નહોવાથી પેશન્ટને મેદાનમાં થાંભલે બાંધી દેવાયો

03 December, 2014 03:45 AM IST  | 

રાજકોટ : હૉસ્પિટલમાં જગ્યા નહોવાથી પેશન્ટને મેદાનમાં થાંભલે બાંધી દેવાયો



ઍક્સિડન્ટના કારણે ઘવાયેલા વડોદરા જિલ્લાના રમણભાઈ પરમાર નામના આધેડ વયના ખેતમજૂરને ઘેનની અસર વચ્ચે ગઈ કાલે મોડી રાતે હૉસ્પિટલનો સ્ટાફ કૅમ્પસના પાર્કિંગમાં આવેલા થાંભલા સાથે બાંધી આવ્યો અને આખી રાત રમણભાઈ ઠંડીમાં ધ્રૂજતા રહ્યા. છેક સવારે અગિયાર વાગ્યે હૉસ્પિટલનો સિનિયર સ્ટાફ આવ્યો ત્યારે તેમને અંદર લેવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હૉસ્પિટલના ડીન ડૉ. વત્સરાજે કહ્યું હતું કે આવું કામ કોણે કર્યું એ બાબતની તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.

બન્યું એવું હતું કે રાતના સમયે હૉસ્પિટલનો એક પણ બેડ ખાલી ન હોવાથી આવેલી ઇમર્જન્સીને હૅન્ડલ કરવા માટે બેહોશ જેવી અવસ્થામાં પડેલા અશક્ત રમણભાઈને બહાર મૂકી આવવામાં આવ્યા હતા. રમણભાઈના પરિવારમાં કોઈ નથી. છેલ્લા છ મહિનાથી તે વૉચમૅનનું કામ કરવા માટે રાજકોટ આવ્યા હતા અને ગઈ કાલે સવારે એક બાઇકચાલકે તેમનો ઍક્સિડન્ટ કર્યા પછી તેમને સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. રમણભાઈનો હાથ ફ્રૅક્ચર થયો છે અને ઑપરેશન કરીને એમાં સળિયો ફિટ કરવામાં આવ્યો છે. આવી સિરિયસ ઇન્જરી પછી પણ પેશન્ટ સાથે બેદરકારી દાખવવી એ બહુ શરમજનક કહેવાય.

- તસવીર : ચિરાગ ચોટલિયા