૨૭ લાખ રૂપિયાની કારના ઊપજ્યા માત્ર ૮,૫૧,૦૦૦

03 December, 2012 04:52 AM IST  | 

૨૭ લાખ રૂપિયાની કારના ઊપજ્યા માત્ર ૮,૫૧,૦૦૦



વેચાણકિંમત : ટેક્નિકલ ફૉલ્ટવાળી હ્યુન્ડેઇ કંપનીની છ મહિના જૂની પણ ટેક્નિકલ પ્રૉબ્લેમ ધરાવતી સૅન્ટા ફી કાર અમદાવાદના બિલ્ડર મુકેશ સોનેગ્રાએ 
રૂપિયા ૮,૫૧,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. તસવીર : ચિરાગ ચોટલીયા


એક કિલોમીટર પ્રતિ લિટરની ઍવરેજ આપતી કારની ઍવરેજ સુધારવા માટે ૪ મહિનાથી મહેશ પટેલ કંપનીના સર્વિસ-સ્ટેશનમાં દોડાદોડી કરતા હતા, પણ કંપનીવાળાએ જવાબ ન આપતાં છેવટે થાકીને હવે હ્યુન્ડેઇની આ કારની જાહેરમાં હરાજી કરી

ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે રાજકોટના કિશાન પરા ચોક વિસ્તારમાં કરવામાં આવેલી ટેક્નિકલ ફૉલ્ટવાળી હ્યુન્ડેઇ કંપનીની છ મહિના જૂની પણ ટેક્નિકલ પ્રૉબ્લેમ ધરાવતી સૅન્ટા ફી કાર અમદાવાદના બિલ્ડર મુકેશ સોનેગ્રાએ રૂપિયા ૮,૫૧,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. કંપનીએ કરેલા દાવા મુજબ સૅન્ટા ફી કારની ઍવરેજ અઢારથી વીસ કિલોમીટર પ્રતિ લિટરની આવતી હોય છે, પણ છ મહિના પહેલાં રાજકોટના ઉદ્યોગપતિ મહેશ પટેલે આ કાર ખરીદી પછી એની ઍવરેજ માંડ એક કિલોમીટર પ્રતિ લિટરની આવતી હતી. મહેશ પટેલ છેલ્લા ચાર મહિનાથી કંપનીમાં ધક્કા ખાતા હતા અને ઍવરેજ વધે એ માટે સર્વિસ સેન્ટરના એન્જિનિયરને વિનંતી કરતા હતા. એન્જિનિયરે બરાબર મથી લીધું અને તોયે કારની ઍવરેજમાં કોઈ ફરક નહીં પડતાં તેમ જ તેમણે પણ ગયા મહિને હાથ ઊંચા કરી દેતાં મહેશભાઈ પટેલે કારને વેચવા માટે નવતર નુસખો અપનાવ્યો અને શનિવારે કારને છકડા પાછળ બાંધીને રાજકોટ આખામાં એનો વરઘોડો કાઢી, ગઈ કાલે કારની કિશાન પરા ચોકમાં હરાજી કરી નાખી. સત્તાવીસ લાખ રૂપિયાની કિંમતની સૅન્ટા ફી કારની જાહેર હરાજી કરવાની અને એની બેઝ પ્રાઇઝ એક રૂપિયો હોવાનું જાણીને કાર ખરીદવા માગતા સોથી વધુ લોકોએ ગઈ કાલે હરાજીમાં ભાગ લીધો હતો. હરાજીની શરૂઆત એક રૂપિયાથી જ થઈ હતી, જે વધીને ૮,૫૧,૦૦૦ રૂપિયા સુધી પહોંચી હતી અને અમદાવાદના બિલ્ડર એવા મુકેશ સોનેગ્રાએ ખરીદી હતી. મુકેશ સોનેગ્રાને શનિવારે રાત્રે તેના રાજકોટના એક ભાઈબંધ કારની આ હરાજીની વાત કહી હોવાથી તે ઑક્શનમાં ભાગ લેવા સવારે આઠ વાગ્યે જ રાજકોટ પહોંચી ગયા હતા.

ઑક્શનની શરત શું હતી?

પોતાની સત્તાવીસ લાખ રૂપિયાની માત્ર છ મહિના જૂની કાર કંટાળીને આવી વિચિત્ર રીતે વેચી દેનારા મહેશભાઈએ ઑક્શન માટે બે શરત મૂકી હતી. પહેલી શરત એ હતી કે તે આ કાર કંપનીના કોઈ ઑફિસર કે કંપની સાથે સંકળાયેલી વ્યક્તિને વેચશે નહીં. બીજી શરત હતી કે હરાજી પૂરી થાય કે તરત જ કારનું પેમેન્ટ કૅશ કે ચેકથી ચૂકવી દેવાનું રહેશે. કાર ખરીદનારા અમદાવાદી બિલ્ડર પણ જાણે કે આ શરત જાણતા હોય એમ તે પણ ચેકબુક સાથે જ ઑક્શનમાં આવ્યા હતા. ઑક્શનમાં કાર ખરીદ્યા પછી મુકેશ સોનેગ્રાને ખબર પડી હતી કે કારમાં ડીઝલનું એક ટીપું પણ નથી એટલે તેમણે પણ આ કારને પેટ્રોલપમ્પ સુધી ખેંચી જવા માટે છકડો રિક્ષા કરવી પડી હતી. આમ પહેલાં માલિકનો આ કાર સાથેનો જે ભૂતકાળ છકડા સાથે જોડાયેલો હતો એવી જ રીતે બીજા માલિકના કાર સાથેના ભવિષ્યની શરૂઆત પણ છકડાથી જ થઈ હતી.


ખોટનો સોદો : ગઈ કાલે રાજકોટના કિશાનપરા ચોકમાં યોજેલી હરાજીમાં ગાડીના ખરીદદાર મુકેશ સોનેગ્રા
પાસેથી ચેક લઈ રહેલા કારના મૂળ માલિક મહેશ પટેલ (ડાબે). તસવીર : ચિરાગ ચોટલિયા