રાજકોટમાં ૨૭ લાખની કારની ૧ રૂપિયામાં હરાજી

02 December, 2012 04:47 AM IST  | 

રાજકોટમાં ૨૭ લાખની કારની ૧ રૂપિયામાં હરાજી



રિશ્મન શાહ

રાજકોટ, તા. ૨

ગયા અઠવાડિયે વડોદરાના એક જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટે ગધેડાની પાછળ પોતાની મોંઘીદાટ મર્સિડીઝ કાર બાંધીને કંપનીના સર્વિસ-ડિપાર્ટમેન્ટનો વિરોધ કર્યો હતો અને ગઈ કાલે રાજકોટના ઉદ્યોગપતિ મહેશ પટેલે પણ વિરોધ માટે કંઈક આવો જ માર્ગ અપનાવ્યો હતો. તેમણે હ્યુન્ડેઇ કંપનીની અંદાજે ૨૭ લાખ રૂપિયાની કિંમત ધરાવતી સૅન્ટા ફી મૉડલની કારને છકડો-રિક્ષા સાથે બાંધીને એને શહેરમાં સેર કરાવી હતી.

ઇમ્ર્પોટ-એક્સપોર્ટનો બિઝનેસ કરતા મહેશભાઈ પોતાની આ ફૉલ્ટી કારને વેચવા માગે છે અને એટલે જ તેમણે આ કારની હરાજી પણ આજે સવારે ૧૦ વાગ્યે રાજકોટના કિશાનપરા ચોક વિસ્તારમાં રાખી છે. આ કારની હરાજી માટે માત્ર એક રૂપિયાની કિંમત લગાડવામાં આવી છે. મહેશભાઈએ કહ્યું હતું કે ‘છ મહિના પહેલાં મેં લીધેલી આ ડીઝલ કારની ઍવરેજ લિટરદીઠ એક કિલોમીટરની આવે છે. એના એન્જિનમાં ફૉલ્ટ છે. કંપની ઑફિશ્યલી ઍવરેજ ૧૮થી ૨૦ કિલોમીટરની છે એવું કહે છે, પણ મારી આ કારમાં હું કાંઈ કરી શકું એમ નથી. હું ચાર મહિનાથી કંપનીમાં ધક્કા ખાઉં છું પણ મારી કારને સામાન્ય ઍવરેજ પર લાવવાનું કામ કંપની નથી કરી શકી. ક્રૂડના કૂવા મારા પરમપૂજ્ય બાપુજીના નથી કે મને આવી ડીઝલના કૂવા જેવી કાર પોસાય.’

મહેશભાઈ ગઈ કાલે કંપનીના શોરૂમમાં ગયા હતા. ત્યાં તેમને કંપનીના ઑફિસર્સે કહી દીધું હતું કે હવે આ કારમાં કાંઈ નહીં થઈ શકે. કંપનીથી નારાજ થયેલા મહેશભાઈએ નિર્ણય લઈ લીધો અને બપોર સુધી બૅનર બનાવડાવીને કારને છકડો-રિક્ષાની પાછળ બાંધીને આખા શહેરમાં ફેરવી. હવે તેઓ આ કારને આજે હરાજીમાં વેચવાના છે. જોવાનું એ છે કે કયો માઈનો લાલ આ ડીઝલનો કૂવો ખરીદવા તૈયાર થાય છે.