માવાનું બુટલે‌ગિંગ: 15ની કાચી-પાંત્રીસના 100 રૂપિયા અને 10ની ગુટકાના 50

28 March, 2020 08:01 AM IST  |  Rajkot | Rashmin Shah

માવાનું બુટલે‌ગિંગ: 15ની કાચી-પાંત્રીસના 100 રૂપિયા અને 10ની ગુટકાના 50

પ્રતીકાત્મક તસવીર

તમાકુનું સૌથી મોટું વ્યસન જો ક્યાંય હોય તો એ સૌરાષ્ટ્ર છે અને કોરોનાને કારણે સૌરાષ્ટ્રમાં પાન પાર્લર રવિવારથી બંધ કરી દેવામાં આવ્યાં છે જેને લીધે વ્યસનીઓની તલબ એવા સ્તરે પહોંચી છે કે સૌકોઈને કોઈ પણ ભોગે પાન-ફાકી જોઈએ છે. પરિસ્થિતિનો લાભ લેવાતો હોય એમ અત્યારે બ્લૅકમાર્કેટમાં પાન-ફાકીના ભાવ પણ ગજબનાક રીતે વધારી દેવામાં આવ્યા છે. ૧૫ રૂપિયામાં મળતી અને કાચી-પાંત્રીસના નામે ઓળખાતી કાચી સોપારી અને ૧૩૮ તમાકુ નાખેલી ફાકીનો ભાવ અત્યારે ૧૦૦ રૂપિયા થઈ ગયો છે અને આ ભાવે પણ એક કે બે ફાકી નથી મળતી, તમારે મિનિમમ પાંચ લેવી પડે એટલે કે ૫૦૦ રૂપિયા ખર્ચવા પડે છે.

ગુટકાની આદત ધરાવતા લોકોને પણ ભારોભાર ત્રાસ સહન કરવો પડે છે. વિમલ બ્રૅન્ડની ગુટકાનો ભાવ રેગ્યુલરમાં ૧૦ રૂપિયા છે, જે અત્યારે ૫૦ રૂપિયાની એક મળે છે. આ પણ તમારે બે જ ખરીદવી પડે તો જ તમને મળે. રાજકોટના યા‌જ્ઞ‌િક રોડ પર આવેલી એક પાનની દુકાનના માલિક મોતી હંસરાજે કહ્યું કે ‘પોલીસ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે એટલે અમે પહેલેથી દુકાનમાં ઘૂસીને અડધા કલાકમાં જેકોઈ ઑર્ડર હોય એ મુજબનો માલ બનાવી લઈએ છીએ. દંડ પછી પણ લાકડી ખાવાનો વારો આવે એ બીક હોય છે એટલે અમારે ભાવ તો લેવો જ પડે.’

રાજકોટના રૈયા રોડ પર આવેલા એ-વન પાન પાર્લરના માલિકે નામ ન છાપવાની શરતે કહ્યું કે ‘રાજકોટમાં દર પાંચમો જણ પાન-ફાકીનું બંધાણ ધરાવે છે. સરકારે આ બંધાણને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જો એ વાત ધ્યાન પર નહીં લેવાય તો પરિસ્થિતિ એવી થશે કે લોકો નિયમ તોડીને પણ બહાર નીકળશે અને જો બહાર નહીં નીકળે તો તલબને કારણે ઘરમાં ખોટા કજિયા થશે. દિવસમાં અડધો કલાક પૂરતું પણ જો પાન-ફાકીની દુકાનવાળાને છૂટ મળશે તો બધા સચવાયેલા રહેશે અને બીજા ધાંધિયા ઊભા નહીં થાય.’

વાત ખોટી નથી. ‘મિડ-ડે’એ ૧૫ લોકો સાથે વાત કરી તો એ ૧૫માંથી ૧૨ને તમાકુનું વ્યસન હતું અને એ બારેબાર લોકોએ કહ્યું કે આ તલબને લીધે બીજી કોઈ તકલીફ ઊભી ન થાય એ જોવામાં આવે તો બધા જાહેર બંધ અને લૉકડાઉનને પૂરતો સહકાર આપે એવું બની શકે.

Rashmin Shah gujarat rajkot