રાજકોટ : જિ.પં.ની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ટ જુથ ગેરહાજર

19 June, 2019 11:16 PM IST  |  Rajkot

રાજકોટ : જિ.પં.ની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ટ જુથ ગેરહાજર

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા (PC : Bipin Tankaria)

Rajkot : રાજકોટ જિલ્લા પંચાયતની ત્રણ મહિના બાદ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં પ્રમુખ અલ્પનાબેન અર્જુનભાઈ ખાટરીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં બળાબળના પારખા થશે અને ભાજપ તથા કોંગ્રેસનું અસંતુષ્ટ્ર જૂથ એજન્ડા પરની તમામ આઈટમો પેન્ડીંગ રખાવી પોતાની તાકાતનો પરચો આપશે તેવી વાતો વચ્ચે આજે સામાન્ય સભામાં કોંગ્રેસનું અસંતુષ્ટ્ર જૂથ અને ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હતા. એજન્ડા પરની તમામ આઈટમો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

પ્રશ્નોતરીના પ્રથમ એક કલાકના સમયગાળામાં શાસક પક્ષના નવનિયુકત નેતા વિનુભાઈ ધડુકના ૩૪ પ્રશ્નો હાથ પર લેવાયા હતા અને એક કલાકમાંથી મોટાભાગનો સમય તેમાં જ પુરો થઈ ગયો હતો. થોડો સમય બાકી રહ્યો હતો અને તેમાં પડધરી તાલુકાની સરપદડ બેઠકના સિનિયર સભ્ય અને શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન પરસોતમભાઈ લુણાગરીયાનો પ્રશ્ન હાથ પર લેવાયો હતો.

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા કોંગ્રેસના પ્રભારી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્રારા કોંગ્રેસના તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો. જો કે, આજની સામાન્ય સભામાં માત્ર ખાટરીયા જૂથના સભ્યો હાજર રહ્યા હતા. બાદમાં શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધડુક અને દંડક તરીકે નાનજીભાઈ ડોડીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને અર્જુનભાઈ ખાટરીયા સહિતના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.



ખાટરીયા જૂથના ચાર સહિત ૨૨ સભ્યો ગેરહાજર રહેતા પંચાયતના રાજકારણમાં ભારે ચર્ચા
ભાજપ અને કોંગ્રેસ સહિતના અસંતુષ્ટ્ર જૂથે ગેરહાજર રહીને આજની સામાન્ય સભામાં પોતાની તાકાનું પ્રદર્શન કરી દીધું છે. જિલ્લા પંચાયતમાં અસંતુષ્ટ્ર જૂથ અને ભાજપના સભ્યોની કુલ સંખ્યા ૧૮ ગણાવવામાં આવે છે. સામીબાજુ ખાટરીયા જૂથ પાસે પણ ૧૮ સભ્યો હોવાના દાવા કરવામાં આવે છે. આજની સામાન્ય સભામાં ૧૪ સભ્યો હાજર અને ૨૨ સભ્યો ગેરહાજર રહ્યા હતા. ખાટરીયા જૂથના ચાર સભ્યો આજની બેઠકમાં ગેરહાજર હોવાથી તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. અંગત કારણોસર આ ચાર સભ્યો ગેરહાજર રહ્યા હતા કે કોંગ્રેસના ગઢમાં વધુ ગાબડું પાડવામાં ભાજપ અને અસંતુષ્ટ્રો સફળ રહ્યા છે ? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. આજે સામાન્ય સભામાં કોંગ્રેસના જે ૧૪ સભ્યો હાજર હતા તેમાં પ્રમુખ અલ્પનાબેન ખાટરીયા, ઉપપ્રમુખ સુભાષભાઈ માંકડીયા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, નાનજીભાઈ ડોડીયા, સોમાભાઈ મકવાણા, પરસોતમભાઈ લુણાગરીયા, ભાવનાબેન ભુત, ધીરૂભાઈ પાઘડાળ, વિપુલભાઈ ધડુક, મધુબેન નસિત, નારણભાઈ સેલાણા, અવસરભાઈ નાકીયા, કુસુમબેન ચૌહાણનો સમાવેશ થાય છે.


મહિલા પ્રમુખ ખાટરીયાના એક વર્ષના સુશાસનના વહીવટને બિરદાવતો ઠરાવ પસા
કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત અમે ઉથલાવીશું તેવા હાકલા પડકારા અને સભ્યોની તોડફોડના વાતાવરણ વચ્ચે પણ શાસનધૂરા સંભાળનાર મહિલા પ્રમુખ અલ્પનાબેન ખાટરીયાના કાર્યકાળને એક વર્ષ પુરૂ થઈ ગયું હોવાથી સભ્યો અને અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અલ્પનાબેન ખાટરીયાના એક વર્ષના શાસનકાળમાં વિકાસની ગતિ ઝડપી બની છે અને ગ્રામ્યતાલુકા કક્ષાએ રસ્તા, ગટર, લાઈટ સહિતના પ્રાથમીક સુવિધાના અને વિકાસના કામો થયા છે તેમ જણાવી સભ્યોએ અભિનંદન આપ્યા હતા અને સભાના અંતે અધ્યક્ષસ્થાનેથી ખાસ ઠરાવ પસાર કરાવી શુભેચ્છા પાઠવી હતી.

rajkot gujarat