નાસિકમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન, વધી શકે છે ભાવ

30 October, 2019 04:44 PM IST  |  નાસિક

નાસિકમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન, વધી શકે છે ભાવ

ડુંગળીના ભાવ વધવાની આશંકા

સત્તાવાર ચોમાસામાં લગભગ 140 ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી કમોસમી ઝાપટાં પણ સમયાંતરે પડતા રહે છે. એ સંજોગોમાં ખેતરોમાં મોસમી પાકને નુકસાન થઈ રહ્યું છે. નાશિકના યેવલા તાલુકામાં સોમવારે સાંજે સાત વાગ્યા પછી પડેલા કમોસમી ઝાપટાંમાં મકાઈ, કપાસ, સોયાબીન જેવા ખરીફ પાક ઉપરાંત ડુંગળીના રાબેતા મુજબના પાકને નુકસાન થયું હતું. રવી પાક માટે રોપવામાં આવેલા કાંદાના રોપા પણ સડવા માંડ્યા છે. સતત વાદળિયા હવામાન અને સૂર્યપ્રકાશના અભાવને કારણે કાંદા અને કપાસના કાલાંમાં પાણી ઘૂસવાને કારણે સડો પેઠો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કમોસમી વરસાદને કારણે વિદર્ભના અકોલા જિલ્લાના પાંચ તાલુકામાં પણ ઊભા પાકને નુકસાન થયું હતું. ખેતીની 1.7 લાખ હૅક્ટર જમીન પર સોયાબીન, 9512 હૅક્ટર જમીન પર જુવાર-બાજરી અને 1.5 લાખ હૅક્ટર જમીન પર કપાસને નુકસાન થયું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનનો અંદાજ મેળવવાનો આદેશ રાજ્યના મુખ્ય સચિવને આપ્યો છે. નાસિકથી ડુંગળી મોટા પ્રમાણમાં ગુજરાત આવે છે. જેથી નાસિકમાં ડુંગળીના પાકને નુકસાન થવાના કારણે ડુંગળીના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ ક્યાર વાવાઝોડાની અસરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં પણ આ જ સ્થિતિ
ગુજરાતમાં પણ ક્યાર વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. જેના કારણે રવિ પાક પર સવાલ ઉઠ્યા છે. ખેડૂતોને વાવણી કઈ રીતે કરવી તેની સમજ નથી પડી રહી. કમોસમી વરસાદ પાકનો દાટ વાળે તેવી શક્યતાને જોતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

onion prices nashik Gujarat Rains