વોટિંગ સમયે પણ રાહુલ ગાંધી-મોદી વચ્ચે શાબ્દિક ફાઇટિંગ

14 December, 2012 03:16 AM IST  | 

વોટિંગ સમયે પણ રાહુલ ગાંધી-મોદી વચ્ચે શાબ્દિક ફાઇટિંગ



ગુજરાતમાં ગઈ કાલે એક તરફ ૮૭ બેઠકો પર જોરદાર વોટિંગ ચાલી રહ્યું હતું, જ્યારે બીજી તરફ બીજા ફેઝમાં જ્યાં મતદાન થવાનું છે એ વિસ્તારોમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે શાબ્દિક તડાફડી ચાલુ રહી હતી. ઉત્તર ગુજરાતમાં ભિલોડા, પાલનપુર તથા પૂર્વ ગુજરાતમાં લીમડીમાં રાહુલ ગાંધીએ રાજ્યમાં માત્ર એક જ માણસ ચમકે છે. એમ કહીને નામ લીધા વિના મોદી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ દાહોદ જિલ્લાના લીમડીની જાહેર સભામાં વેધક સવાલ કરતાં કહ્યું હતું કે માત્ર એક વ્યક્તિને લીધે ગુજરાત આગળ વધી રહ્યું છે તે કેવી રીતે માની લેવાય? તો આ તરફ સિદ્ધપુરમાં જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી ભૂગોળ કે ઇતિહાસ જાણતા નહીં હોવાનો આક્ષેપ મૂક્યો હતો. 

રાહુલ ગાંધી ગઈ કાલે લીમડી ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર તેમ જ સાબરકાંઠાના ભિલોડા ખાતે જાહેર સભાને સંબોધી હતી.

ગુજરાતમાં ગરીબો અને સામાન્ય માણસના અવાજને સાંભળવામાં ના આવતો હોઈ માત્ર એક વ્યક્તિ જ બોલે છે અને બધા સાંભળે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ વાતનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કોઈ એમ કહે કે માત્ર એક વ્યક્તિને લીધે ગુજરાત આગળ વધી રહ્યું છે એ કેવી રીતે માની લેવાય? ગુજરાતમાં જેમણે વિકાસનો પાયો નાખ્યો છે તે લોકોએ ક્યારેય કહ્યું નથી કે તેમણે જ ગુજરાતનો વિકાસ કર્યો છે.’

રાહુલ ગાંધીને ‘રાહુલ બાબા’ તરીકે ઓળખાવતા સિદ્ધપુરમાં મોદીએ તેમને હોમવર્ક કરીને ચૂંટણી સભા સંબોધવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધી પર અટૅક કરતાં મોદીએ કહ્યું હતું કે ‘મારા પિતા વડા પ્રધાન તો શું ગામના સરપંચ પણ ન હતા.’ ગઈ કાલે ફસ્ર્ટ ફેઝનું વોટિંગ પૂરું થયા બાદ હવે ૧૭ તારીખે બીજા તબક્કા માટે વોટિંગ થશે.