જૂનાગઢમાં આસારામબાપુને નો એન્ટ્રી

27 August, 2012 05:13 AM IST  | 

જૂનાગઢમાં આસારામબાપુને નો એન્ટ્રી

મેલી વિદ્યા અંતર્ગત અમદાવાદના અભિષેક અને દીપેશ નામના પ્રજાપતિ જ્ઞાતિના બે કિશોરના મૃત્યુ માટે વગોવાયેલા આસારામબાપુનો સત્સંગનો કાર્યક્રમ બે દિવસ માટે જૂનાગઢમાં રાખવામાં આવ્યો હતો, જે ગઈ કાલથી શરૂ થવાનો હતો. જોકે ભારત સાધુ સમાજ અને પ્રજાપતિ જ્ઞાતિએ શરૂ કરેલા સજ્જડ વિરોધ પછી જૂનાગઢના કલેક્ટરે આસારામબાપુને જૂનાગઢમાં સત્સંગ કરવા માટે પરમિશન આપવાનું ટાળ્યું હતું. જૂનાગઢના કલેક્ટર મનીષ ભારદ્વાજે કહ્યું હતું કે ‘શહેરમાં શાંતિ જળવાયેલી રહે અને કોઈ અજુગતી ઘટના ન બને એ માટે અમે સત્સંગની પરવાનગી કૅન્સલ કરી છે. આસારામબાપુ પોતાના આશ્રમમાં કોઈ પણ જાતનો કાર્યક્રમ કરી શકે છે.’

અભિષેક અને દીપેશના અપમૃત્યુ પછી પહેલી વાર એવું બન્યું છે કે આસારામબાપુના કાર્યક્રમની પરમિશન રદ કરવામાં આવી હોય. ગિરનાર તળેટીમાં આવેલા આસારામબાપુના આશ્રમમાં આરામ કરી રહેલા આસારામબાપુનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘વિરોધીઓએ જે કરવું હોય એ કરી લે, સત્યના તાપ સામે એ કોઈ ટકી શકવાના નથી.’